સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં (Surat Municipal Corporation Election) આ વખતે ભાજપને તમામ 120 બેઠક જીતવાનો સુવર્ણ અવસર મૃત:પ્રાય કોંગ્રેસની સ્થિતિને કારણે જોયો હતો. પરંતુ શહેર ભાજપ પ્રમુખે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આપેલા 120 બેઠક જીતી બતાવવાની પ્રતિબદ્ધતાને ભાજપના (BJP) જ કેટલાક નેતાઓની પક્ષવિરોધી પ્રવૃત્તિઓએ ધૂળમાં મેળવી દીધી. અને સૌરાષ્ટ્રવાસી નેતાને શહેર ભાજપ પ્રમુખ બનાવવા છતાં સૌરાષ્ટ્રવાસીઓનો એક ચોક્કસ વર્ગ ભાજપથી હજુ નારાજ જ છે, તેવી પ્રતીતિ મોવડી મંડળને કરાવવા માટે ખેલાયેલા દાવને કારણે ઘણા ઉમેદવારો હારી જતાં તેની રાજકીય કારકિર્દી ઉપર પણ પ્રશ્નાર્થ લાગી ગયો છે. ત્યારે આવા હારેલા ઉમદવારોનો બળાપો હવે સપાટી પર આવવા માંડ્યો છે.
તેમજ પુણા વિસ્તારમાં ચૂંટણી હારેલા કોમલ પટેલે સોશિયલ મીડિયા ઉપર કરેલા આક્ષેપોથી ભાજપની કહેવાતી શિસ્તની બાંધી મૂઠ્ઠી ખૂલી ગઇ છે. જો કે, કયા કયા નેતાઓએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી તે બાબતે કાર્યકરોમાં ખુલ્લેઆમ ચર્ચા થાય છે. ત્યારે મોવડીમંડળ શું કરે છે તે જોવું રહ્યું. એવી પણ ચર્ચા છે કે, આ નેતાઓ શહેર ભાજપના નેતાઓની નજીકના હોવાથી તેની સામે કોઇ કાર્યવાહી માટે તૈયાર નથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં ભાજપની થયેલી હારના આફ્ટર શોક હવે આવવા માંડ્યા છે.
પાટીદાર વિસ્તારમાં ભાજપની હાર માટે આપ સાથે ભાજપના ટિકિટમાંથી કપાયેલા કાર્યકરો અને અમુક મહત્ત્વકાંક્ષી નેતાઓ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપના હારેલા એક ઉમેદવાર સોશિયલ મીડિયામાં ભાજપના એક નેતા અને મહિલા કાર્યકર પર બેફામ આક્ષેપ કરી રહ્યાં છે. તેના કારણે ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળી રહ્યો હોવા છતાં મોવડીમંડળ સૂચક મૌન ધરી બેઠું હોવાની ચર્ચા છે. પુણા વિસ્તારમાં ચૂંટણી લડનારાં કોમલ પટેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયાં છે. ત્યારે પાલિકાની ચૂંટણીનાં પરિણામ બાદ કોમલ પટેલે સોશિયલ મીડિયામાં પોતાની હાર સ્વીકારી હતાશ થયા વિના જનસેવા ચાલુ રાખવાની વાત કરી હતી. પરંતુ પાલિકામાં પદાધિકારીઓની નિમણૂક બાદ અચાનક જ કોમલ પટેલનું સોશિયલ મીડિયા એગ્રેસિવ થઈ ગયું છે.
હારેલા ઉમેદવારે ચૂંટણીમાં ટિકિટ નહીં મળી એ ભાજપના કાર્યકરે મતદાનની સ્લિપ પણ ઘરમાં જ મૂકી રાખી હતી તેવા નેતાના ખાસ છે અને ગદ્દાર છે. હવે પાર્ટી શું કરે છે તે જોવાનું છે વગેરે વગેરે… પોસ્ટ મૂકી છે તેમજ જેટલાએ પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું છે તે બધા કૂદી કૂદીને પોસ્ટ મૂકે છે પણ ગમે એટલાં નાટક કરો પણ હું તમને મૂકવાની નથી તેવી ચીમકી પણ સોશિયલ મીડિયામાં આપી છે. ભાજપના હારેલા ઉમેદવાર આવા પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર રોજેરોજ મૂકી રહ્યા છે. તેના કારણે ભાજપમાં ચાલતા જૂથવાદ વધુ વકરી રહ્યો છે.
ભાજપ પ્રદેશ પ્રમુખના હોમ ટાઉનમાં છેલ્લા એક અઠવાડિયાથી હારેલા ઉમેદવાર આડેધડ પોસ્ટ મૂકી રહ્યા છે. આટલું જ નહીં જ્યાં ભાજપની કારમી હાર થઇ છે તે વોર્ડ નં.3માં પણ ભાજપને હરાવવા ભાજપના જ સૌરાષ્ટ્રીયન નેતા અને તેમના ખાસ કાર્યકરો સામે પક્ષવિરોધી પ્રવૃત્તિ કર્યાનો ખુલ્લેઆમ આક્ષેપો થઇ રહ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં ભાજપમાં ચાલતી જૂથબંધી ખૂલીને બહાર આવે તેમ હોવા છતાં શહેર ભાજપના નેતાઓ સૂચક મૌન ધરીને બેઠા છે. કેમ કે, જેના પર આક્ષેપો થાય છે તે તેના એક સમયના સાથી હોવાનું મનાય છે.
પક્ષવિરોધી પ્રવૃત્તિના કારણે બે જગ્યાએ પેનલ તૂટી, છ વોર્ડમાં સફાયો
વર્ષ-2021ની મનપાની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હોમ ટાઉનમાં જ વર્તમાન શહેર સંગઠનના નેતાઓને નબળા પૂરવાર કરવા માટે ચોક્કસ વિસ્તારના નેતાઓએ પક્ષવિરોધી કામ કરીને 120 બેઠક જીતવાના ભાજપના સપનાને ચકનાચૂર કરી દીધા છે. જેમાં સરથાણા તેમજ પુણા વિસ્તારનાં પરિણામો બગડવા પાછળ એક પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેનો ગજગ્રાહ કારણભૂત મનપાય છે. જેના કારણે પાંચ વોર્ડ પર સીધી અસર થઇ છે, મતદાનના દિવસે આ નેતાના કાર્યકરો પક્ષવિરોધી મતદાન કરતા હોવાની વાત ફેલાતાં ચૂંટણી લડતા ઉમેદવારોના ટેકેદારોમાં ગરમાગરમી પણ થઇ હતી.
કોમલ પટેલને રજૂઆત કરવા કાર્યાલયનું તેડું
આજ સુધી હારેલા ઉમેદવારોની ફરિયાદો બાબતે સૂચક મૌન ધરીને બેઠેલા શહેર ભાજપના નેતાઓ કોમલ પટેલે સોશિયલ મીડિયાનો સહારો લઇને ભાજપના નેતાઓની પોલ ખોલી નાંખતાં શહેર ભાજપના નેતાઓ સફાળા જગ્યા છે. તેમજ કોમલ પટેલેને સોમવારે તેની રજૂઆત કરવા માટે કાર્યાલય પર આવી જવા કહેવાયું હોવાનું શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું.