આજકાલ સુરત શહેરની પોલીસને રીલ ઉતરવાનો જબરો શોખ લાગ્યો છે. નાનો કેસ ઉકેલ્યો હોય તો પણ પોલીસ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કરી વાહ વાહ લૂંટવા લાગે છે. એવું પણ સાંભળ્યું છે કે કેટલાંક અધિકારીઓએ તો કેમેરામાન સાથે કોન્ટ્રાક્ટ કરી રાખ્યા છે. સાહેબ બોલાવે એટલે કેમેરા મેન હાજર. પછી થાય રોલ, કેમેરા એન્ડ એક્શન. જોકે, સુરતની રીલ પ્રેમી પોલીસની રીલ એક ચોરે ઉતારી લીધી છે. પોલીસ બેડામાં આ કિસ્સાની ખૂબ ચર્ચા થઈ રહી છે.
વાત એમ છે કે ગયા અઠવાડિયે રાંદેર રોડ પર એક લાવારીસ બાઈક મળી હતી. બે દિવસથી એક દુકાન સામે પડેલી બાઈક પર એક થેલી પણ લટકતી હતી. દુકાનના માલિકે વીડિયો બનાવી તે થેલી ચેક કરી હતી. તેમાં અઢી લાખ રૂપિયાની માતબર રકમ હતી. ઉપરાંત કેટલીક દારૂની બોટલો પણ હતી. દુકાનદારે સારા નાગરિકનો ધર્મ નિભાવતા પોલીસને જાણ કરી હતી.
રાંદેર પોલીસ તાબડતોબ દોડી ગઈ હતી અને બાઈકના નંબરની મદદથી તે બાઈકના માલિકને શોધી કાઢ્યો હતો. તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને પછી અઢી લાખની રકમ તેને સોંપી હતી. આ કામગીરી કર્યાનો સંતોષ માનવા સાથે પોલીસ વાહવાહી લૂંટવાના ઈરાદે તેની રીલ બનાવી હતી. જે બાદમાં લગભગ તમામ સમાચાર માધ્યમોએ પ્રસારિત કરી હતી. બે દિવસ બાઈક પડી રહી. કોઈએ રૂપિયા ચોર્યા નહીં. પોલીસે સાચા માલિકને તે રૂપિયા પરત આપ્યા. આવું તો કંઈક કેટલુંય લખાયું.
લેકિન પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. પોલીસે રૂપિયા જે બાઈક ચાલકને આપ્યા તે રૂપિયા તેના જ હતા નહીં. આ ભાઈ તો ચોર હતા.
વાત એમ છે કે બાઈક પરથી રૂપિયા મળ્યા અને બાઈક માલિકને તે રૂપિયા પોલીસે પરત કર્યા તેના થોડા દિવસ પહેલાં જ તે બાઈક ચાલકના મકાન માલિકના ઘરમાં ચોરી થઈ હતી. તેની ફરિયાદ પણ દાખલ થઈ હતી. પોલીસે બનાવેલો વીડિયો મકાન માલિક સુધી પહોંચતા મકાન માલિક સફાળો ઉઠ્યો.
કારણ કે જે ભાડુઆતે પોલીસ પાસેથી અઢી લાખ લીધા તે ભાડૂઆતે ત્રણ મહિનાથી ભાડું ચુકવ્યું નથી. તો તેની પાસે આટલા રૂપિયા ક્યાથી આવ્યાં તે પ્રશ્ન ઉઠ્યો અને તરત જ ભાંડો ફૂટી ગયો હતો. જે પૈસાથી મેનેજરે પોલીસ સાથે ફોટોસેશન કર્યું તે મકાનમાલિકના ઘરમાંથી જ ચોર્યા હતાં. શાતિર ચોરે પોલીસની આંખમાં પણ ધૂળ નાખી હતી.
શું બની હતી ઘટના?
રાંદેર રામનગર વિસ્તારમાં એક પાન સેન્ટરની બહાર લાંબા સમયથી પડેલી બાઈક જોઈ દુકાનદારને શંકા જતા તેણે બાઈક પર લટકાવેલા એક થેલાની તપાસ કરી હતી. જેમાં થેલામાંથી રોકડા રૂપિયા 2.69 લાખ, ચાર જોડી કપડાં, દારૂની એક નાની બોટલ મળી આવી હતી. બાદમાં દુકાનદારે રાંદેર પોલીસને જાણ કરી હતી અને પોલીસે 36 કલાકની જહેમત બાદ કતારગામ પોલીસનો સંપર્ક કરી બાઈક માલિકને શોધી કાઢ્યો હતો. આ બાઈક દક્ષેશકુમાર અરવિંદભાઈ પટેલ (ઉં.વ46)ની હતી, જે 53, પંચદેવ સોસાયટી, આંબા તલાવડી, કતારગામમાં રહે છે અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.