એક સુંદર દૃષ્ટાંત કથા છે.એક દિવસ એક નાનકડો છોકરો તેની મા સાથે મેળામાં ફરવા ગયો અને માની આંગળી પકડીને તે મેળામાં ફરી રહ્યો હતો. મેળામાં ફરતાં ફરતાં એક જગ્યા મીઠાઈની સોડમથી મઘમઘતી હતી. ભાત ભાતની મીઠાઈઓ ત્યાં હતી. નાનકડા છોકરાએ મીઠાઈ તરફ આંગળી કરી પણ મા તેનો હાથ ખેંચીને તેને આગળ લઇ ગઈ. છોકરો ફરી ફરીને મીઠાઈને જોતો રહ્યો.
થોડે દૂર બાળકની નજર રંગબેરંગી ફુગ્ગા લઈને ઊભેલા ફુગ્ગા પર પડી. તેણે માને ફુગ્ગો અપાવવા કહ્યું પણ માએ ના પાડી અને તેને ફટાફટ આગળ ચાલવા લાગી. છોકરો બિચારો ફુગ્ગાને જોતો પાછળ ઘસડાતો ચાલ્યો.આગળ મેળામાં એક જગ્યાએ મદારી વાંદરાનો ખેલ દેખાડી રહ્યો હતો. છોકરાનું ધ્યાન ત્યાં પડ્યું અને તે માનો હાથ છોડાવી ખેલ જોવા દોડી ગયો અને ખેલ જોવા લાગ્યો.
થોડી વાર તો ખેલમાં તે મગન થઈ ગયો પણ જેવો ખેલ પૂરો થયો તેને મા યાદ આવી અને મા આજુબાજુ ન હતી અને ક્યાંય દેખાતી ન હતી એટલે તે રડવા લાગ્યો. આજુબાજુમાંથી એક સજ્જને તેને તેડી લીધો અને તેને શાંત કરવાની કોશિશ કરવા લાગ્યા જેથી તેને તેનું નામ ઠામ પૂછી શકે પણ છોકરો શાંત થતો જ ન હતો. છોકરાને શાંત કરવા એક જણ ફુગ્ગો લઇ આવ્યું. રડતાં છોકરાએ ફુગ્ગાને હાથમાં પણ ન લીધો. કોઈકે મીઠાઈ આપી પણ છોકરાએ મોઢું ફેરવી લીધું અને રડતો રહ્યો. હવે તેને ન ફુગ્ગો જોઈતો હતો કે ન મીઠાઈ. તેને તેની મા જોઈતી હતી. મા વિના હવે તેને મેળાની કોઈ પણ વસ્તુમાં રસ રહ્યો ન હતો.
આ દૃષ્ટાંત કથા જેવું જ આપણું જીવન છે. જીવનમેળામાં મગ્ન થઈને જીવન આપનાર ભગવાનને આપણે ભૂલી જઈએ છીએ અને જયારે જીવન મેળાના ખેલ પૂરા થાય છે. જીવનમાં ભૌતિક વસ્તુઓના ઉપભોગ કરવાની ક્ષમતા ઓછી થાય છે. અંત સમય નજીક આવે છે, ત્યારે જીવન આપનાર ભગવાન ફરી યાદ આવે છે પણ ત્યારે ભગવાન ક્યાંય દેખાતો નથી. તેની ભક્તિ કરવાની શક્તિ પણ હવે ઓછી થઇ ગઈ હોય છે ત્યારે મોડું થઇ જાય છે. ભગવાને જીવન આપ્યું છે અને જીવન મેળવી આપણે તેને ભૂલી જઈએ છીએ. આ ભૂલ નહિ કરતાં જીવનની દરેક પળે ભગવાન સાથે રહે છે. બસ તેને યાદ કરતાં રહેજો. તેનો આભાર માનતાં રહેજો.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.