Comments

નાઇજિરિયા – બોકોહરામ – ક્રિશ્ચિયનોની મોટા પાયે કતલ અને અમેરિકા

તાજેતરમાં ક્રિશ્ચિયન ઉપર હુમલાઓ અને સામુહિક કતલના બનાવોને લઈને નાઇજિરિયા સમાચારોમાં ચમક્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાઇજિરિયામાં ક્રિશ્ચિયન સમુદાય પર થતા હુમલાઓ અને કથિત ‘જનસંહાર’ સામે તીવ્ર પ્રત્યાઘાતો આપતાં એની નિંદા કરી છે અને કડક ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે, ‘જો નાઇજિરિયન સરકાર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને ક્રિશ્ચિયનો ઉ૫૨ના આ હુમલા અને કત્લેઆમને નહીં રોકે તો અમેરિકા ત્યાં પોતાનાં સશસ્ત્ર દળો મોકલીને ઇસ્લામિક આતંકવાદીઓને જડમૂળથી નાબૂદ કરશે.’

‘બોકોહરામ’ – નાઇજિરિયાનું જેહાદી આતંકી જૂથ છે અને તેનું પૂરું નામ જમાત અહલ અલ-સુન્ના લિ અલ-દા’વા વા અલ-જિહાદ (JAS) છે, જે ૨૦૦૨માં મોહમ્મદ યુસુફ દ્વારા સ્થપાયું હતું. આ જૂથ પશ્ચિમી શિક્ષણ (બોકો) અને લોકશાહી વ્યવસ્થાનો વિરોધ કરે છે અને નાઇજિરિયામાં શરિયા આધારિત ઇસ્લામિક રાજ્ય સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે. ૨૦૦૯ના બોકોહરામ વિદ્રોહ પછી જૂથ વધુ હિંસક બન્યું, જેમાં નેતા યુસુફની હત્યા થઈ અને અબુબકર શેકાઉએ નેતૃત્વ સંભાળ્યું. ૨૦૧૬માં ISIL સાથે જોડાઈને તે ISIS-બોકોહરામ બન્યું. પરંતુ આંતરિક કલહથી ISWAPમાં વિભાજન થયું. શેકાઉ ૨૦૨૧માં માર્યો ગયો.

આ જૂથે ૨૦૦૯થી હજારો હુમલાઓ કર્યા જેમાં ૨૦૧૪ની ચિબોક શાળાછાત્રીઓના અપહરણ જેવી ઘટનાઓ સામેલ છે, જેમાં ૨૭૬ છાત્રીઓનું અપહરણ થયું હતું. તેમણે ગામડાં, ચર્ચ, બજારો અને સરકારી ટાર્ગેટ પર હુમલા કરી ૪૦,૦૦૦થી વધુ લોકોની હત્યા કરી, જેમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ બંને સામેલ છે. બોકોહરામના હુમલાઓથી નાઇજિરિયામાં ૨.૫ મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા અને તે આફ્રિકાનું સૌથી ખતરનાક આતંકી જૂથ ગણાય છે. નાઇજિરિયન સેના અને આંતરરાષ્ટ્રીય શક્તિઓના વિરોધ સતત ચાલે છે પરંતુ તે હજુ પણ સક્રિય છે.

અગાઉ જે બોકો શબ્દનો આપણે વિગતે ઉલ્લેખ કરી ગયા તે હૌશા ભાષામાં (ઉત્તર નાઇજિરિયાની ભાષા જેમાં અરબી શબ્દોનું મિશ્રણ છે) બોકો શબ્દનો અર્થ પશ્ચિમી શિક્ષણ અથવા અસલી નહીં/નકલી થાય છે. જ્યારે હરામ અરબી શબ્દ છે, જેનો અર્થ નિષિદ્ધ, પાપ અથવા ઇસ્લામમાં વર્જીત એવો થાય છે. બોકોહરામ પશ્ચિમી શિક્ષણ અને લોકશાહી વ્યવસ્થાનો સખત વિરોધ કરે છે.

બોકોહરામની પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધુ ને વધુ ક્રિશ્ચિયનોનો ભોગ લેતી જાય છે જેથી અમેરિકા નારાજ છે અને એણે આ ઇસ્લામિક આતંકવાદીઓને નાબૂદ કરવાની ચેતવણી આપી છે. તેમણે નાઇજિરિયાની તમામ સહાય બંધ કરવાની ધમકી પણ આપી છે. નાઇજિરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ચીનુબુએ ટ્રમ્પના આક્ષેપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે, ધાર્મિક સહિષ્ણુતા એ અમારી સંસ્કૃતિમાં પાયાનું મૂલ્ય છે.અમેરિકા સાથે સંવાદ ઊભો કરવાની એક પહેલ તરીકે નાઇજિરિયાએ વૉશિંગ્ટનમાં નિવાસી પ્રતિનિધિઓ મોકલીને ડિફેન્સ સેક્રેટરી અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચાઓ કરવાના વલણની દિશામાં પહેલ કરી છે.

ઝડપથી બની રહેલી ઘટનાઓ ઉપર પોતાની બાજનજર નાખતાં વિશેષજ્ઞો કહે છે કે, હિંસાનાં મૂળ કારણો માત્ર ધાર્મિક જ નથી. બીજાં કારણો જેવાં કે, જમીન-પાણી વિવાદ, ખેડૂત-હાથીઓ વચ્ચેનું ઘર્ષણ અને સમયાંતરે જુદી જુદી વસ્તીઓ વચ્ચે ખેલાતા જંગોએ પરિસ્થિતિ જટિલ બનાવી છે. નાઇજિરિયા આફ્રિકાનો સૌથી વધુ વસતીવાળો દેશ છે અને તેલ ઉત્પાદનમાં પણ એનું નામ છે. ટ્રમ્પે નાઇજિરિયાને કન્ટ્રી ઑફ પર્ટીકયુલર કન્સર્ન તરીકે વર્ણવ્યું છે, જે ક્રિશ્ચિયનોને ધાર્મિક સ્વતંત્રતા ભોગવવા દેતું નથી.

અંતમાં એમ ચોક્કસ કહી શકાય કે, નાઇજિરિયાની આજની સ્થિતિ ઉકળતા ચરુ જેવી છે અને જો અમેરિકન સૈન્યો ત્યાં ઊતરશે તો એના કારણે હાલની સ્થિતિ વણસી શકે છે. અત્યારે દુનિયામાં ઠેર ઠેર ગમે ત્યારે વિસ્ફોટ થાય તે પ્રકારની ઘટનાઓ આકાર લઈ ચૂકી છે ત્યારે વેનેઝુએલા બાદ નાઇજિરિયામાં જો અમેરિકા પોતાનાં દળો મોકલે તો આજની તનાવપૂર્ણ પરિસ્થિતિમાં એક વધુ જગ્યાએ ભડકો થાય અને વિશ્વની શાંતિ ડહોળાય. તેવું ના બને એ માટે સમગ્ર વિશ્વનાં નાગરિકો મીંટ માંડીને બેઠા છે. આશા રાખીએ કે આ ઘટનાને કાર અમેરિકા-નાઇજિરિયા વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ નહીં થાય અને ઘીના ઠામમાં ઘી પડી રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top