વંદે માતરમ્ આ બે શબ્દો જ નથી કે કોઇ સામાન્ય ગીત નથી. ભારતીય જનતાના અવાજમાં એને ગાતા જ દેશ પ્રત્યેનો પ્રેમ ઉભરી આવે એવો એક મંત્ર છે. ભારતીય જનતાના હૈયામાં હોઠે એને દિલોદિમાગમાં કાયમ માટે કોતરાઇ ગયેલો આ મંત્ર ભારત ગાથા પ્રત્યે પ્રેમ જગાડે છે. સ્વાતંત્ર્યસંગ્રામમાં લોકજાગૃતિ દ્વારા પ્રેરણા પૂરી પાડવાના હેતુસર ભારત ભૂમિના સ્રોત સમું આ ગીત બંગાળના જાણીતા સાહિત્યકાર બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય મારફત મૂળ સંસ્કૃત અને બંગાળી એમ બે ભાષામાં રચાયું હતું. વંદેમાતરમ્ ગીતમાં ભારત માતાનું એક સુંદર શબ્દચિત્ર આલેખાયું છે.
આ મંત્ર દ્વારા ભારતીય જન ચેતના પ્રજ્વલિત કરી સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રેરણા પૂરી પાડી આજે પણ આ મંત્ર દેશભક્તિનો બુલંદ અવાજ છે અને કાયમ રહેશે. આ મંત્ર લખાયો છે 7 નવેમ્બર 1875માં અને આ દિવ્ય ઘટનાને 150 વર્ષ પૂર્ણ થયાં છે. એને આપણી ગૌરવપૂર્ણ ગાથા કહી શકાય. ભારતના આત્માની ઉત્તમ અભિવ્યક્તિનું ગીત એટલે વંદેમાતરમ્. ભારત માતાને લાખ લાખ વંદન.
સુરત , અડાજણ – શીલા ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુખની પ્રતીતિ
જો તમો સુખને બહાર શોધવા જશો તો સરખામણી કરવી પડશે. પરંતુ જો ભીતરમાં જોશો તો પધરામણી કરવી પડશે. સુખી હોવું એ આંતરિક મનની સ્થિતિ છે. જો જીવનમાં માત્ર ત્રણ શબ્દોનો સાકાર કરશો, ભાવશે, ગમશે અને ચાલશે, તો જીવન સુખમય અને વિશેષમાં નિરામય કરી શકશે, જે આજના અતિ સંવેદનશીલ યુગની તાતી જરૂરિયાત છે. સુખ માત્ર અદ્યતન સાધનો, વૈભવી બંગલા-ગાડી કે સંપત્તિથી નથી અનુભવાતું પણ સુખની શોધ એકબીજાને સમજવામાં, સરળતામાં અને સહનશક્તિથી મળી શકે છે. સુખ અને આનંદ વચ્ચે પાતળી દિવાલ છે. સુખી હોય પણ આનંદિત રીતે પરિવારજનો સાથે હળી-મળી જીવી ન શકે તો જીવનમાં શૂન્યાવકાશ લાગશે. સમય સમયે મિત્રો, કુટુંબીજનોનું સ્નેહમિલન આયોજન કરો. આ આયોજનથી વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો પ્રત્યક્ષ પરિચય તથા Contact વધશે, જેથી એકબીજા પ્રત્યેના વાત્સલ્યતામાં વધારો થશે, જે સુખની કડી છે.
સુરત – દીપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.