હવે શિયાળો શરૂ થઇ ગયો છે. માટે શિયાળામાં શરીરની ખાસ કાળજી લેવી જરૂરી છે, જે નીચે પ્રમાણે છે. (1) ગરમ કપડાં પહેરો. જેમને માથે ટાલ છે તેમણે માથા પર ગરમ (કાન ટોપી) પહેરવી જોઇએ. (2) સવારે વહેલાં ઊઠીને એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુ નીચોવવું. તેમાં થોડો આદુનો રસ અને મરીનો ભૂકો તથા 1-2 ચમચી મધ નાખી પી જવું. (3) ત્યાર બાદ 30-40 મિનિટ મોર્નીંગ વોક કે મનગમતી કસરત કરો. (4) ઠંડા પાણીને બદલે થોડાક ગરમ પાણીથી સ્નાન કરવું. સાથે મોઇશ્ચરાઇઝર સાબુ વાપરવો. (5) ખોરાકમાં વીટામીન સી (લીંબુ, સંતરાં, આમળા વ.) અને ઓમેગા 3 ફેટી એસિડ (ઇંડા, વ.) યુકત ખોરાક લેવો. લીલાં શાકભાજી-લસણનો વિશેષ ઉપયોગ કરવો.
(6) રાત્રે ભારે તથા ઠંડો ખોરાક (દહીં, ઠંડા પીણાં વ.) ન ખાવો. ખિચડી, સૂપ, મગ-મગની દાળ જેવો હલકો ખોરાક લ્યો. સાંજનું ભોજન 7 થી 8 વચ્ચે લઇ લેવું (7) રાત્રે નિયમિત 10 વાગ્યે સૂઇ જવું. (8) રાત્રે સૂતી વખતે હળદરવાળું દૂધ એક ગ્લાસ પીવું. (9) શિયાળામાં ચામડી સૂકી (DRY) થઇ જાય છે. માટે રોજ ચામડી પર મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાડવું. (10) શિયાળામાં પગની એડી ફાટી જાય છે માટે ત્યાં પણ મોઇ. ક્રીમ લગાડવું અને રાત્રે મોજાં પહેરીને સૂઇ જવું. (11) આપણા વડવાઓએ શિયાળામાં વસાણા (સાલમપાક, મેથીપાક વ.) ખાવાની પ્રથા શરૂ કરેલી જે આજે પણ ખવાય છે. સાચે જ આ શકિતદાયક હોય છે. (12) શિયાળામાં સામાન્યત: કોમન કોલ્ડ (શરદી-ખાંસી-તાવ) ઇન્ફલ્યુએનઝા, બ્રોન્કાઇટીસ, ન્યુમોનીઆ, હાર્ટએટેક, સ્ટ્રોક અને વયસ્કોમાં સાંધાના દુખાવા જોવા મળે છે. આ માટે તમારા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરો.
યુ.એસ.એ. – ડો. કિરીટ ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.