પંચમહાલના ઘોઘંબા તાલુકાના રણજીતનગર GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા, ગ્રામજનોમાં ફેલાયેલા ગભરાટ બાદ કંપનીની સ્પષ્ટતા
વહેલી સવારે ધુમાડાના ગોટેગોટા જોઈ ગામલોકોમાં ગેસ લિકેજની અફવા ફેલાતા ભયનો માહોલ સર્જાયો હતો; કંપની સેફ્ટી હેડે સ્પષ્ટતા કરી કે આ ‘મોકડ્રિલ’ હતી.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ (GFL) કંપનીમાં આજે વહેલી સવારે ગેસ લિકેજની અફવા ફેલાતા સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, બાદમાં કંપની દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ કોઈ દુર્ઘટના નથી પરંતુ સલામતીના ભાગરૂપે યોજવામાં આવેલી ‘મોકડ્રિલ’ હતી.
આજે વહેલી સવારે કંપનીના પ્લાન્ટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. ભૂતકાળમાં અહીં બનેલી દુર્ઘટનાઓને કારણે સ્થાનિક ગામલોકોમાં એવી અફવા ફેલાઈ ગઈ હતી કે કંપનીમાં ફરીથી ગેસ લિકેજ થયો છે. આ વાત વાયુવેગે પ્રસરતા આસપાસના ગામોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ગભરાઈ ગયા હતા. જોકે, વાસ્તવમાં આ ધુમાડો એક સુરક્ષા રિહર્સલનો ભાગ હતો.
ગામલોકોમાં ફેલાયેલી અફવા અને ગભરાટ બાદ કંપનીના સેફ્ટી હેડ કૌશિક પટેલે આ અંગે સ્પષ્ટતા કરી હતી.
કૌશિક પટેલે જણાવ્યું હતું કે, “આ ઘટના કોઈ વાસ્તવિક ગેસ લિકેજ નથી. આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે આજે કંપનીમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલિસ્ટ (ઉદ્દીપક) લિકેજ થાય તેવા સંજોગોમાં તેને કઈ રીતે કંટ્રોલ કરવું, જવાબદાર વ્યક્તિઓ અને રિસ્પોન્સ ટીમ કઈ રીતે કામગીરી કરે તેમજ એકબીજા સાથે કઈ રીતે કોમ્યુનિકેશન કરે, તે બાબતનું આ રિહર્સલ હતું. અમારી ટીમે આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ માત્ર એક મોકડ્રિલ હતી, ઓન-સાઈટ ગેસ લિકેજની કોઈ દુર્ઘટના બની નથી.”
આમ, કંપનીની સ્પષ્ટતા બાદ ગેસ લિકેજની વાત માત્ર અફવા હોવાનું સાબિત થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.