પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં આજે એક વિવાદાસ્પદ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે 1992માં અયોધ્યામાં તોડી પાડવામાં આવેલી મૂળ બાબરી મસ્જિદના મોડેલ પર આધારિત નવી મસ્જિદનો શિલાન્યાસ કરવાની જાહેરાત કરી છે.
આ કાર્યક્રમ આજે 6 ડિસેમ્બરે યોજાવાનો છે, જે બાબરી મસ્જિદ તોડી પાડવાની 33મી વર્ષગાંઠ પણ છે. આ જાહેરાતથી રાજકીય અને સામાજિક હોબાળો મચી ગયો છે અને સ્થાનિક વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. દરમિયાન, ઘણા સમર્થકો ઇંટો લઈને બેલડાંગા પહોંચી રહ્યા છે.
આ કાર્યક્રમના સમર્થનમાં ઉત્તર બારાસતના રહેવાસી મોહમ્મદ શફીકુલ ઇસ્લામ સહિત સેંકડો લોકો સવારથી જ માથા પર ઇંટો લઈને બેલડાંગા તરફ કૂચ કરી રહ્યા છે. શફીકુલ ઇસ્લામે કહ્યું, “હું તે જગ્યાએ જઈશ યાં હુમાયુ કબીરે બાબરી મસ્જિદનો શિલાન્યાસ કર્યો હતો. આ ઇંટો મસ્જિદના નિર્માણમાં મારું યોગદાન હશે.” સોશિયલ મીડિયા પર #BabriMasjid જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે, સમર્થકો આ કાર્યક્રમને ન્યાયની માંગ ગણાવી રહ્યા છે.
હુમાયુ કબીરનો દાવો
ભરતપુર વિધાનસભા મતવિસ્તારના ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે ગયા મહિને સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે 6 ડિસેમ્બરે મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરીશું બાંધકામ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે અને વિવિધ મુસ્લિમ નેતાઓ ભાગ લેશે.”
કબીરે દાવો કર્યો હતો કે આ મસ્જિદ 20 વીધા જમીન પર બનાવવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ 125 કરોડ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કાર્યક્રમમાં લગભગ 300,000 લોકો હાજરી આપશે, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 12 (NH-12) ને અસર કરી શકે છે.
કબીરે ટીએમસી નેતૃત્વ પર નિશાન સાધતા કહ્યું, “મને મારા જીવની કોઈ પરવા નથી. બાબરી મસ્જિદ અમારા ટ્રસ્ટની જમીન પર બનશે. જો વહીવટીતંત્ર તેને રોકવાનો પ્રયાસ કરશે, તો રાજનગરથી બહેરામપુર સુધીનો હાઇવે બ્લોક થઈ જશે.” તેમના સસ્પેન્શન પછી, તેમણે 22 ડિસેમ્બરે એક નવા રાજકીય પક્ષની શરૂઆતની જાહેરાત કરી અને 2026 ની વિધાનસભા ચૂંટણીમાં 135 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની યોજના બનાવી.