Comments

દુનિયામાં ઠેર ઠેર લડાઇના તાપણા: શસ્ત્ર કંપનીઓને બખ્ખા

યુક્રેન-રશિયા વચ્ચે ૨૦૨૨ની શરૂઆતથી યુદ્ધ ચાલે છે. તેના પછી ગાઝામાં લડાઇ ફાટી જે માંડ શાંત થઇ છે. પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ચાર દિવસ મીની યુદ્ધ ખેલાઇ ગયું. થાઇલેન્ડ અને કંબોડિયા પણ બાખડ્યા, અન્ય સ્થળોએ પણ નાના મોટા તનાવો સર્જાયા. આ બધા વચ્ચે શસ્ત્ર કંપનીઓને બખ્ખા થઇ ગયા. એક અહેવાલ જણાવે છે કે દુનિયાની ૧૦૦ સૌથી મોટી શસ્ત્ર ઉત્પાદક કંપનીઓની શસ્ત્રો અને લશ્કરી સેવાઓના વેચાણમાંથી થતી આવકમાં ગયા વર્ષે પ.૯ ટકાનો વધારો થયો હતો. શસ્તોની માગમાં યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધો અને વૈશ્વિક તથા પ્રાદેશિક ભૂરાજકીય તનાવોને કારણે ઉછાળો આવ્યો હતો એમ હાલમાં જારી કરવામાં આવેલ એક વૈશ્વિક અહેવાલ પરથી જાણવા મળે છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) એ વિશ્વ શાંતિ માટે કામ કરતી સંસ્થા છે. તેના અહેવાલમાં જણાવાયું છે કે દુનિયાભરની શસ્ત્ર કંપનીઓને ગયા વર્ષે આવકમાં વધારો થયો છે. SIPRI દ્વારા જાહેર કરાયેલા નવા ડેટા અનુસાર, 2024 માં 100 સૌથી મોટી શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ દ્વારા શસ્ત્રો અને લશ્કરી સેવાઓના વેચાણમાંથી આવક 5.9 ટકા વધીને 679 અબજ ડોલર સુધી પહોંચી છે.

ભારતની ત્રણ કંપનીઓ પણ ટોચની સો કંપનીઓમાં શામેલ છે જે શસ્ત્ર બનાવે છે. અને સ્થાનિક ઓર્ડરને કારણે આ યાદીમાં સામેલ ત્રણ ભારતીય કંપનીઓની સંયુક્ત શસ્ત્ર આવક 8.2 ટકા વધીને 7.5 બિલિયન ડોલર થઈ ગઈ છે. સ્થાનિક ઓર્ડરનો ઉલ્લેખ છે તે દર્શાવે છે કે આ કંપનીઓને ભારતીય લશ્કર તરફથી જ વધુ ઓર્ડરો મળ્યા છે. સ્વીડન સ્થિત ગ્લોબલ થિંક-ટેન્કે એક નિવેદનમાં 2024 માં વિશ્વની ટોચની 100 શસ્ત્ર ઉત્પાદક અને લશ્કરી સેવાઓ કંપનીઓની યાદી હતી. તેમાં જે ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે તે – હિન્દુસ્તાન એરોનોટિક્સ (44મા સ્થાને), ભારત ઇલેક્ટ્રોનિક્સ (58મા સ્થાને), મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ (91મા સ્થાને) છે.

2018 પછી પહેલીવાર, પાંચ સૌથી મોટી શસ્ત્ર કંપનીઓએ તેમના શસ્ત્રોની આવકમાં વધારો કર્યો છે એમ SIPRI એ અહેવાલ આપ્યો છે. યાદીમાં ટોચની પાંચ કંપનીઓ છે – લોકહીડ માર્ટિન કોર્પ. (અમેરિકા), આરટીએક્સ (અમેરિકા), નોર્થ્રોપ ગ્રુમેન કોર્પ. (અમેરિકા), BAE સિસ્ટમ્સ (યુકે) અને જનરલ ડાયનેમિક્સ કોર્પ. (અમેરિકા). જોકે વૈશ્વિક વૃદ્ધિનો મોટો ભાગ યુરોપ અને અમેરિકામાં સ્થિત કંપનીઓને કારણે હતો, પરંતુ ટોચના 100 માં દર્શાવવામાં આવેલા વિશ્વના તમામ પ્રદેશોમાં કંપનીઓની આવકમાં વર્ષ-દર-વર્ષ વધારો થયો હતો. એકમાત્ર અપવાદ એશિયા અને ઓસનિયા હતા, જ્યાં ચીની શસ્ત્ર ઉદ્યોગની અંદરના મુદ્દાઓએ પ્રાદેશિક કુલ ઘટાડાને વેગ આપ્યો હતો એમ અહેવાલે જણાવ્યું હતું.

૨૦૨૪ માં, ટોચની ૧૦૦ માં રહેલી યુએસ શસ્ત્ર કંપનીઓની સંયુક્ત શસ્ત્ર આવક ૩.૮ ટકા વધીને ૩૩૪ અબજ ડોલર થઈ, જેમાં રેન્કિંગમાં ૩૯ યુએસ કંપનીઓમાંથી ૩૦ કંપનીઓએ તેમના શસ્ત્ર આવકમાં વધારો કર્યો હતી. આમાં લોકહીડ માર્ટિન, નોર્થ્રોપ ગ્રુમેન અને જનરલ ડાયનેમિક્સ જેવા મુખ્ય શસ્ત્ર ઉત્પાદકોનો સમાવેશ થાય છે, એમ નિવેદનમાં જણાવાયું છે. યુરોપમાં સ્થિત ટોચની 100 શસ્ત્ર કંપનીઓ (રશિયા સિવાય) માં 26 શસ્ત્ર કંપનીઓમાંથી 23 શસ્ત્રોની આવકમાં વધારો નોંધાવ્યો છે. તેમની કુલ શસ્ત્રોની આવક 13 ટકા વધીને 151 બિલિયન ડોલર થઈ છે.

આ વધારો યુક્રેનમાં યુદ્ધથી ઉદભવેલી માંગ અને રશિયા તરફથી દેખાતા ખતરા સાથે જોડાયેલો હતો એમ અહેવાલ જણાવે છે. આ ઉપરાંત, યાદીમાં સામેલ બે રશિયન શસ્ત્ર કંપનીઓ, રોસ્ટેક અને યુનાઇટેડ શિપબિલ્ડિંગ કોર્પોરેશન, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં, ઘટકોની અછત તરફ દોરી ગઈ હોવા છતાં, તેમની સંયુક્ત શસ્ત્રોની આવક 23 ટકા વધીને 31.2 બિલિયન ડોલર થઈ છે. SIPRI એ જણાવ્યું હતું કે શસ્ત્રોની નિકાસમાં ઘટાડો થવાને કારણે ગુમાવેલી આવકને સરભર કરવા માટે સ્થાનિક માંગ પૂરતી હતી.

પ્રથમ વખત, ટોચની 100 શસ્ત્ર કંપનીઓમાંથી નવ મધ્ય પૂર્વમાં સ્થિત હતી, જેની સંયુક્ત શસ્ત્ર આવક 31.0 અબજ ડોલર હતી. આ પ્રદેશમાં શસ્ત્ર આવક 14 ટકા વધી હતી. રેન્કિંગમાં ત્રણ ઇઝરાયલી શસ્ત્ર કંપનીઓએ તેમની સંયુક્ત શસ્ત્ર આવક 16 ટકા વધારીને 16.2 અબજ ડોલર કરી હતી, એમ નિવેદનમાં જણાવાયું છે. અન્ય કંપનીઓ આરબ દેશોમાં હશે. ઉપરાંત, અમેરિકી કંપની સ્પેસએક્સ પ્રથમ વખત SIPRI ટોચના 100 માં દેખાયા, જ્યારે તેમની શસ્ત્ર આવક 2023 ની તુલનામાં બમણી થઈને 1.8 અબજ ડોલર થઈ ગઈ, એમ અહેવાલે જણાવ્યું હતું. ઇલોન મસ્કની કંપની શસ્ત્રોના ધંધામાં પણ રોકાયેલી છે. દુનિયામાં ઠેર ઠેર લડાઇના તાપણા સળગતા રહે છે અને તેમાં શસ્ત્ર કંપનીઓ તગડી થતી જાય છે.

Most Popular

To Top