Charchapatra

સુરત કોટ વિસ્તારની કહાની

આપણું હુરત હવે સુરત થઈ ગયું. હૂરતી ભુલાઇ ગયાં અને શું શા વાળું સુરત થઈ ગયું. નાનું હમથું સુરત વિકાસ વિકાસના ગાડરિયા પ્રવાહમાં વિશાળ થઈ ગયું. નાની મોટી શેરીઓવાળું સુરત,સોસાયટીવાળું થઈ ગયું. નાની શેરીઓમાં મોટા મોટા એપાર્ટમેન્ટ  બની ગયા. સાથે વાહનોનો જમાવડો થઈ ગયો. સાથે પ્રદૂષણનું નગર થઈ ગયું. શેરી મહોલ્લામાં રમત રમતાં બાળકો ટ્રાફિકના કારણે ઘરકુકડા થઈ ગયા. નવી લાઈનો નાંખવામાં આપણાં ઘરો ધૂળધાણી થઈ ગયા. ઠેર ઠેર ઘરો હતાં ત્યાં દુકાનો બની ગઈ. રોજ હવે ઘર આંગણે મેળા થઈ ગયા. હવે ચાલવા માટે ફૂટપાથ હવે પાથરણાવાળા અને લારી ગલ્લાવાળાને હવાલે થઈ ગઈ.

હવે વાણિજ્ય,રહેણાંક કે ઔદ્યોગિક વિસ્તારનો કોઈ ભેદ નથી. એકચક્રી શાસનમાં ‘સબ ભૂમિ ગોપાલ કી’ થઈ ગઈ,જે વર્ષોથી એકચક્રી શાસન ચલાવી રહ્યા છે તેઓ કોટ વિસ્તાર અને અસ્સલ સુરતી કેસરિયા મતદારોનું રક્ષણ કરવામાં લાચાર થઈ ગયા. આજે કોટ વિસ્તાર સીમેન્ટ કૉન્ક્રીટ જંગલ બની ગયું. શાસકો સુરતની સંસ્કૃતિને  જાળવવામાં નિષ્ફળ ગયા.જ્યાં હવે અસ્સલ સુરતીઓ લઘુમતીમાં છે.હવે સુરત મીની ભારત થઈ ગયું. હવે અસ્સલ સુરતીઓની કોઈ વોટ બેન્ક રહી નથી.શું સુરતીઓના કોટ વિસ્તારની સમસ્યાઓની ‘મન કી બાત’ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાંભળશે?
સલાબતપુરા, સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top