રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. ગઈ કાલે ગુરુવારે તેઓ પોતાના ખાસ વિમાનથી દિલ્હી આવ્યા ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર જ તેમનું વ્યક્તિગત સ્વાગત કર્યું. બંને નેતાઓની મુલાકાતને લઈને વૈશ્વિક સ્તરે પણ ચર્ચા થઈ રહી છે.
આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિને એક ખાસ ભેટ આપી. તેમણે પુતિનને રશિયન ભાષામાં અનુવાદ કરેલી ભગવદ ગીતા ભેટમાં આપી હતી. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું કે ગીતાના ઉપદેશો વિશ્વભરના લોકોમાં જ્ઞાન અને પ્રેરણા ફેલાવે છે. આ ભેટ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મનું પ્રતિક માનવામાં આવી રહી છે.
પુતિનના ભારત આગમન અંગે ક્રેમલિન તરફથી પણ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું કે પીએમ મોદીએ જાતે જ વિમાન સુધી જઈને પુતિનનું સ્વાગત કર્યું. જે અણધાર્યો પણ ખૂબ ઉષ્માભર્યો ક્ષણ હતો. રશિયન અધિકારીઓએ કહ્યું કે તેમને આ વિશે અગાઉથી જાણ નહોતી એટલે આ પળ વધુ ખાસ અને વ્યક્તિગત બની.
યુક્રેન સાથેના યુદ્ધ પછી રાષ્ટ્રપતિ પુતિનનો આ ભારતનો પ્રથમ પ્રવાસ છે. વર્ષ 2022માં યુદ્ધ શરૂ થયા પછી પુતિન બહુ ઓછા દેશોની મુલાકાતે ગયા છે. તેથી ભારતની મુલાકાતને વ્યૂહાત્મક રીતે મહત્વની ગણવામાં આવી રહી છે.
આજે તા. 5 ડિસેમ્બર શુક્રવારે 23મું ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન યોજાવાનું છે. આ બેઠકમાં બંને દેશોના નેતાઓ રક્ષણ, ઊર્જા, વેપાર અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે પુતિનનું ઔપચારિક સ્વાગત થશે અને તે બાદ પુતિન રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.
આ સમગ્ર મુલાકાત ભારત-રશિયા સંબંધોને વધુ મજબૂત બનાવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત માટે આ મુલાકાત રાજનયિક સ્તરે ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે.