વડોદરા: સૂર્યનારાયણ દરેક રાશિમાં એક મહિનાનું રોકાણ કરીને આજે તા. 14 માર્ચ 2021 ને રવિવારે સાંજે 18-04 કલાકે કુંભરાશિમાંથી મીનરાશિમાં પ્રવેશ કર્યો છે જેને મીન સંક્રાંતિ કહેવાય. મીન સંક્રાંતિને મીનાર્ક (મીનારક) તરીકે આપણે ઓળખીએ છીએ. જેને ખર માસ પણ કહેવામાં આવે છે.
મહારાજ વ્રજેશભાઈ જોષીના જણાવ્યા અનુસાર તા. 14 માર્ચ 2021 થી 13 એપ્રિલ 2021 મધ્યરાત્રી 2-35 સુધી સૂર્યનું ભ્રમણ મીન રાશીમાં રહેશે એટલે ફાગણ સુદ -1 થી ચૈત્ર સુદ-1 સુધી મીનાર્ક રહેશે. આ સમયમાં લગ્ન, જનોઈ જેવા માંગલિક કાર્યો કરી શકાશે નહીં. માંગલિક કાર્યોને મીનાર્કની બ્રેક લાગશે.
મીન સંક્રાંતિ ફળકથન મુજબ સોનાના વેપાર માં મંદી જણાય. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે, કોર્પોરેટર બજારમાં મોટી ઉથલપાથલ થવા સંભાવના છે. જનમાનસ મોજશોખની વસ્તુઓ પ્રત્યે આકર્ષણ અનુભવે- વધુ ખર્ચ કરે, ઔદ્યૌગિક ક્ષેત્રમાં પ્રગતિ ઉન્નતિ થાય. મહામારીમાં વધારો થાય. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક સંકટો આવવાની સંભાવનાઓ રહેલી છે.
મીન સંક્રાંતિનો સમય મિથુન, વૃશ્ચિક, મકર, મીન રાશિ ધરાવતા જાતકોને લાભકર્તા પુરવાર થાય, વૃષભ, કર્ક, કન્યા, તુલારાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી તેમજ મેષ, સિંહ, ધન અને કુંભ રાશિના જાતકોએ સમયમાં સંભાળીને રહેવું હિતાવહ છે.