રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે જેમાં મુખ્યત્વે સરકારી શાળાનાં શિક્ષકોને આ કાર્યક્રમ સ્કૂલોની શૈક્ષણિક પ્રવૃત્તિના ભોગે શક્ય એટલો જલદી પૂરી કરવાની જવાબદારી સોંપવામાં આવી હોય એવું લાગે છે. દેશને વિકાસને પંથે દોરવામાં રાજકારણીઓ કરતાં પણ વધુ સાચા અર્થમાં શિક્ષિત એવાં નાગરિકોનો ફાળો છે જેને અવગણીને શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોને એમની મુખ્ય ફરજથી વિમુખ કરી શિક્ષણ અને શિક્ષકો જ નહીં પરંતુ દેશના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડાં થતાં હોય એવું લાગે છે. વસ્તીથી ઉભરાતા આપણા દેશમાં રાજકારણીઓ એમનો હેતુ સાધવા માટે અત્યંત ટૂંકા ગાળામાં પૂરો કરવાનો આ કાર્યક્રમ શિક્ષકોની જિંદગીનો પણ ભોગ લઇ રહ્યો છે એવા સમાચારો આજકાલ સામાન્ય થતા જાય છે.
બીજી અગત્યની વાત એ છે કે આ જવાબદારી મોંઘીદાટ ખાનગી શાળાના શિક્ષકોને સોંપાતી હોય એવું જણાતું નથી. ખાનગી શાળા શું સરકારના કાર્યક્ષેત્રની બહાર છે? હાલ ચાલતા કાર્યક્રમ ઉપરાંત દેશમાં ઘણા એવા જાહેર કાર્યક્રમો થાય છે જેમાં શાળાનાં બાળકો અને શિક્ષકોએ ભાગ લેવો પડે છે જે આખરે શૈક્ષણિક કાર્યના દિવસો ઓછા કરવામાં પરિણમી શકે છે. સારાં શિક્ષકો, સસ્તું શિક્ષણ અને સારી શાળાઓ એવાં ક્ષેત્રો છે જે દેશના વિકાસને ઝડપી બનાવવામાં સહાયભૂત થઇ શકે છે. એથી આપણને જરૂર છે દેશનાં આ ક્ષેત્રોને અગ્રતાક્રમ આપવાની, નહીં કે એમનાં મુખ્ય કાર્યોમાં બાધારૂપ બની શકે એવાં અન્ય કામોમાં એમને સાંકળવાની.
પાલ, સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.