Columns

બે પોટલીઓ

ભગવાને માણસને જન્મ આપ્યો અને તેને સાથે બે પોટલીઓ આપી. બંને પોટલીઓ એક સરખી સફેદ રંગની હતી. ભગવાને માણસને પહેલી પોટલી આપતાં કહ્યું, ‘‘આ પોટલી તું તારા ખભા પર પાછળની તરફ લટકાવજે.’’ પછી બીજી પોટલી આપી કહ્યું, ‘‘આ પોટલી આગળની તરફ લટકાવજે અને યાદ રાખજે તારું બધું ધ્યાન આ અલગ લટકતી પોટલી તરફ જ હોવું જોઈએ.’’

માણસ આ બે પોટલીઓ આગળ અને પાછળ લટકાવી પૃથ્વી પર આવ્યો અને પોતાનું જીવન જીવવા લાગ્યો. તેનું બધું ધ્યાન આગળવાળી પોટલી તરફ જ હતું. ભગવાને આગળ લટકાવવા આપેલી પોટલીમાં માણસની પોતાની ભૂલો, ખામીઓ અને અવગુણો હતાં માણસ તેને સામે રાખીને ચાલતો હતો અને તેને જોઇને ભૂલો સુધારતો જતો અને ખામીઓ દૂર કરતો જતો હતો અને જીવનમાં આગળ વધી રહ્યો હતો. પાછળ પીઠ પર લટકતી પોટલીમાં દુનિયાની ભૂલો અને ખામીઓ હતા પણ તેની પર માણસનું ધ્યાન જ ન હતું. તેનું ધ્યાન આગળ લટકાવેલી પોટલી જેમાં માત્ર પોતાની ભૂલો અને ખામીઓ હતી તેની પર હતું એટલે તે સતત સુધરતો જતો હતો અને આગળ વધતો જતો હતો. જીવનમાં ખુશ અને સુખી હતો.

એક દિવસ માણસ પોટલીઓ મૂકીને નદી કાંઠે સ્નાન કરવા ગયો અને પાછો આવ્યો ત્યારે તેની બે પોટલીઓનું સ્થાન ભૂલથી ફેરબદલ થઈ ગયું. આગળવાળી પોટલી પાછળ થઈ ગઈ અને પાછળ પીઠ પર લટકતી પોટલી આગળ આવી ગઈ અને માણસનું બધું ધ્યાન આગળવાળી પોટલી પર જ હતું એટલે જેમાં દુનિયાની ભૂલો અને ખામીઓ હતી તે પોટલી પર ધ્યાન કેન્દ્રિત થતાં તેને બધામાં ખામીઓ અને ભૂલો જ દેખાવા લાગી. આ ઠીક નથી ,પેલું બરાબર નથી, સરકાર ખરાબ છે,સંજોગો સારા નથી તેને બધે જ ખામીઓ દેખાતી. પોતાની આજુબાજુનાં સ્વજનોમાં, પત્નીમાં, બાળકોમાં, મિત્રોમાં અને પડોશીઓમાં બધામાં ભૂલો જ દેખાતી અને દરેક વાતમાં તે બધાનો વાંક કાઢતો. દરેકને સુધારવાના પ્રયત્નો કરતો રહેતો.

આ કારણે પોતે દુઃખી રહેતો અને બધાને દુઃખી કરતો થઈ ગયો અને પરિણામ એ આવ્યું કે સુધારો તો કોઈનામાં આવ્યો નહિ, ઉલટું તેના સબંધો બધા સાથે ખરાબ થયા અને પોતાની ભૂલો અને ખામીઓ તો હવે તેને દેખાતી જ ન હતી કારણ કે તે પાછળ પીઠ પર રહેલી પોટલી પર ધ્યાન આપી જ રહ્યો ના હતો એટલે પોતાની ભૂલો સુધારતો ન હતો તેથી તેની પ્રગતિ અટકી ગઈ અને પતન શરૂ થયું. આ આપણા બધાની હકીકત છે. ભગવાને આપેલી પોટલીઓ અદલ બદલ થઈ ગઈ છે.બીજાની ભૂલો અને ખામીઓ જ દેખાય છે અને પોતાની ભૂલો દેખાતી નથી.ચાલો આ ભૂલ સુધારી લઈએ. પોટલીઓને ખરે સ્થાને મૂકીએ. પોતાની ભૂલો અને ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને દુનિયાની ભૂલોને ખામીઓને નજરઅંદાજ કરીએ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top