
સ્માર્ટ ફોનમાં સંચાર સાથી એપ્લિકેશન મામલે સરકારે યુ ટર્ન મારવો પડ્યો છે. વિપક્ષ દ્વારા લોકસભામાં સરકાર આ એપ્લિકેશન દ્વારા જાસુસી કરાવવા માંગે છે તેવા આશ્રેપો અને ધમાલને પગલે આખરે સરકારે પોતાનો જ આ એપ્લિકેશનની નવા ફોનમાં પ્રી-ઈન્સ્ટોલેશનનો આદેશ પરત ખેંચ્યો છે. સરકારનો એવો દાવો છે કે માત્ર એક જ દિવસમાં પોતાની મરજીથી એપ્લિકેશન ડાઉનલોડ કરનારાઓની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે.
આ સંજોગોમાં આ એપ્લિકેશનની લોકપ્રિયતાને જોતાં હવે તેની અનિવાર્યતા જરૂરી નથી. સરકારે ભલે આ એપ્લિકેશન પ્રી-ઈન્સ્ટોલ કરવાનો આદેશ પરત ખેંચ્યો હોય પરંતુ એક વાત સાચી છે કે આ એપ્લિકેશનના ફરજિયાતપણાને ધ્યાને લઈને શરૂ થયેલો વિવાદ એમ જલ્દી સમે તેમ નથી. આ વિવાદ આગામી દિવસોમાં નવા વિવાદો ઊભા કરતો જ રહેશે. વિપક્ષે આ એપ્લિકેશન ફરજિયાત ડાઉનલોડ કરવાના કેન્દ્ર સરકારના આદેશને તાનાશાહી અને લોકોની જાસુસી કરવાનો આદેશ ગણાવ્યો હતો.
મંગળવારે લોકસભામાં કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ રાજ્યસભામાં કાર્યસ્થગન પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો પરંતુ એના પર ચર્ચા થઈ શકી નહોતી. ગત તા.28મી નવેમ્બરના રોજ આ વિવાદ શરૂ થયો હતો કે જ્યારે દૂરસંચાર વિભાગે તમામ મોબાઈલ ફોન ઉત્પાદકોને એક આદેશ જારી કરીને ભારતમાં વેચવામાં આવતાં તમામ નવા મોબાઈલ ફોન તેમજ હાલના મોબાીલ ફોનમાં સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ આદેશને પગલે વિપક્ષોને સરકાર પર નિશાન સાધવાનો મોકો મળી ગયો હતો. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, આ પગલું લોકોની પ્રાઈવસી પર સીધો હુમલો છે.
આ એક જાસૂસી એપ છે. સરકાર દરેક નાગરિક પર નજર રાખવા માગે છે. સાયબર છેતરપિંડી રોકવા માટે સિસ્ટમ જરૂરી છે, પરંતુ સરકારનો આ આદેશ લોકોના અંગત જીવનમાં બિનજરૂરી દખલગીરી જેવો છે. વિપક્ષના વિરોધની સાથે સાથે સરકારને એવું લાગ્યું હતું કે, વિપક્ષોનો આ વિરોધ ગમે ત્યારે નાગરિકોના વિરોધમાં તબદીલ થઈ જાય તેમ છે. જેને કારણે સરકારે પાછીપાની કરી લીધી છે. કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સંચાર સાથી એપથી જાસૂસી કરવી ન તો શક્ય છે, ન તો જાસૂસી થશે.
કેન્દ્રીય સંચારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એપને લઈને કોંગ્રેસનેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાના સવાલોના જવાબમાં કહ્યું હતું કે ફીડબેકના આધારે મંત્રાલય એપ ઇન્સ્ટોલ કરવાના આદેશમાં ફેરફાર કરવા તૈયાર છે. સિંધિયાએ સંસદમાં એવો ખુલાસો કરવો પડ્યો હતો કે આ એપ્લિકેશન વૈકલ્પિક છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે એને તમારા ફોનમાંથી હટાવી શકો છો. જો ઉપયોગ ન કરવા માગતા હો તો એપ પર રજિસ્ટ્રેશન ન કરો.
રજિસ્ટર નહીં કરો તો એપ ઇનએક્ટિવ રહેશે. આ એપ ફક્ત એ જ નંબર કે SMS લે છે, જેને યુઝર પોતે ફ્રોડ કે સ્પામ રિપોર્ટ કરે છે, આ સિવાય કંઈ લેતું નથી. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પણ કહેવું પડ્યું હતું કે, આ એપ્લિકેશન વ્યક્તિગત ડેટા અને મેસેજ વાંચતું નથી અને કોલ પણ સાંભળતું નથી. આ ફ્રોડ રોકવા, ચોરાયેલા મોબાઈલ ટ્રેક કરવા અને નકલી સિમ ઓળખવા માટે છે. આ દેખરેખ નથી, લોકોની ડિજિટલ સુરક્ષાનું સાધન છે.
કેન્દ્ર સરકાર એવો ખુલાસો કરી રહ્યું છે કે, આ સંચાર સાથી એપ દ્વારા સરકારનો હેતુ સાયબર ફ્રોડ, નકલી IMEI નંબર અને ફોનની ચોરીને રોકવાનો છે. આનાથી અત્યારસુધીમાં 7 લાખથી વધુ ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઇલ પાછા મળી ચૂક્યા છે. આ એપ પોલીસને ડિવાઇસ ટ્રેસ કરવામાં મદદ કરશે. સપ્ટેમ્બરમાં DoTએ જણાવ્યું હતું કે 22.76 લાખ ડિવાઇસ ટ્રેસ થઈ ચૂક્યા છે. યુઝર કંટ્રોલ ઓછો થશે. ભવિષ્યમાં એપમાં વધુ ફીચર્સ ઉમેરાઈ શકે છે, જેમ કે બહેતર ટ્રેકિંગ અથવા AI આધારિત ફ્રોડ ડિટેક્શન. DoTનું કહેવું છે કે આ ટેલિકોમ સિક્યોરિટીને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. બની શકે છે કે કેન્દ્ર સરકારની વાત સાચી પણ હોય પરંતુ આ એપ્લિકેશનના મુદ્દે વિપક્ષને સરકાર પર ચડી બેસવાનો મોકો જરૂર મળી ગયો છે. કેન્દ્ર સરકારે સામે ચાલીને વિપક્ષને મુદ્દો આપી દીધો છે. જોકે, સરકારના ખુલાસા બાદ હવે વિપક્ષો આ મુદ્દે કોઈ રાજકીય લાભ લઈ શકે છે કે કેમ? તે મોટો પ્રશ્ન છે.