Columns

પિતાનો સંદેશ

એક શ્રીમંત વેપારી હતા. તેમનાં બે સંતાન વેપારીએ પોતાના જીવનના અંત સમયે બે દીકરા વચ્ચે પોતાની સંપત્તિ બરાબર વહેંચી દીધી અને એક સંદેશ એક કાગળ પર લખીને બંને દીકરાઓને આપ્યો અને કહ્યું, ‘‘આ કાગળ પર મેં જીવન અનુભવથી શીખેલો સંદેશ છે જે હંમેશા યાદ રાખજો અને મેં કમાયેલી સંપત્તિ તમને બંનેને આપું છું. તેને અચૂક વધારજો.’’ નાના દીકરાએ કાગળ પર લખેલો સંદેશ વાંચ્યો અને તેને ડૂચો વાળી ફેંકી દીધો અને મનમાં બોલ્યો ‘‘મને કોઈ જ્ઞાન નથી જોઈતું. જો જો, હું કેટલી ઝડપે તમારી આપેલી સંપત્તિને સો ગણી કરી નાખીશ.’’ મોટા દીકરાએ સંદેશ વાંચ્યો. પોતાની પત્ની અને બાળકોને વંચાવ્યો અને પત્નીએ બીજે દિવસે તે સંદેશ ફ્રેમમાં મઢાવી ઘરની મુખ્ય દીવાલ પર લગાવ્યો, જેથી બધાં રોજ વાંચી શકે. મોટો દીકરો રોજ તે સંદેશ વાંચતો અને મનમાં જ પિતાને વચન આપતો કે હું તમારા સંદેશ પ્રમાણે જ આગળ વધીશ.

નાના દીકરાએ ઝડપથી સફળતા મેળવવા એક સાથે અનેક ધંધા શરૂ કર્યા. પિતાએ આપેલી બધી મૂડી જુદા જુદા ધંધામાં લગાવી, જે ધંધા સફળ થયા, તેમાંથી મળતા નફાથી નવા ધંધા શરૂ કર્યા.બધાને લાગ્યું કે આ તો થોડા સમયમાં ઘણો આગળ વધી ગયો અને હજી ઝડપથી આગળ વધશે.પરંતુ ધીમે ધીમે બહુ વધુ પડતા ધંધા વધારતા તે બધે ધ્યાન આપી શકતો નહિ. પગારદાર કર્મચારીઓ રાખ્યાં તેમાં કોઈ બેઈમાન નીકળ્યા તો કોઈ કામચોર. ધીમે ધીમે ધંધામાં ફરિયાદો વધવા લાગી. માલની ગુણવત્તા ઘટવા લાગી. તેનું નામ ખરાબ થવા લાગ્યું. નાનો દીકરો બધું એક સાથે સંભાળી શક્યો નહિ, જેટલો જલ્દી સફળતા મેળવી ઉપર ઊઠ્યો હતો તેટલો જ જલ્દી નીચે પડ્યો. બધી મૂડી ગુમાવી દીધી.

મોટા દીકરાએ એક જ ધંધો શરૂ કર્યો અને તેમાં સખ્ત મહેનત કરી બધી મૂડી લગાવી. ધીમે ધીમે આગળ વધ્યો. તેનું નામ થયું. લોકોને વિશ્વાસ બેઠો અને તે ધંધામાં તે સૌથી મોખરે પહોંચી ગયો. આમ થવાનું કારણ એક જ હતું તેણે પિતાના સંદેશને યાદ રાખ્યો હતો. પિતાનો સંદેશ હતો –‘‘જે ઝડપથી દોડે છે તે જીતતો નથી. જીત એની થાય છે જે રોજેરોજ એકદમ તકેદારીથી ધીમે ધીમે આગળ વધે છે અને અટકતો નથી. જે સતત મહેનત કરતો રહે છે તે મોખરે રહે છે.’’ અનુભવી પિતાનો આ સંદેશ બધાએ જીવનમાં ઉતારવા જેવો છે. 
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top