ગુજરાત આજે ડ્રગ્સનું એપિસેન્ટર બની ગયું છે. 2020 થી લઈને 2024 દરમિયાન 7,350 કરોડ રૂપિયાનુ ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. આટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું છતાં કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું એનો અતોપતો નથી. સજાની વાત તો દૂર રહી. ગુજરાતમાં દારૂબંધીનું નાટક કોના હિત (જીત) માટે ચાલે છે એનાથી ગુજરાતની પ્રજા સુપેરે અવગત છે. ગુજરાતમાં વધતા જતાં ડ્રગ્સ અને દારૂના દુષણ માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસને આડે હાથ લેતા ચેતવણી આપી કે આ વધતા દુષણને કડક હાથે ડામો નહીંતર તમારા પટ્ટા ઉતરી જશે.
કહેવાનો ભાવાર્થ હતો કે ગંભીરતાથી નોકરી નહીં કરો તો નોકરી જઈ શકે છે. પરંતુ મેવાણીના આ નિવેદન બદલ પોલીસ પરિવારોએ સામે મોરચો માંડ્યો અને એમનો હુરીયો બોલાવ્યો. ખરેખર જોઈએ તો મેવાણીએ કશું જ ખોટું કહ્યું નથી, એમનો વાંક ફક્ત એટલો છે કે તેઓ કોંગ્રેસમાં છે. “પટ્ટા ઊતરી જશે” વાળું નિવેદન જ્યારે ધારાસભ્ય હીરા સોલંકીએ આપ્યું ત્યારે કોઈએ એમનો વિરોધ કર્યો નહતો કારણ કે હીરા સોલંકી ભાજપમાં છે. વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાનું એક પત્રકારે સ્ટીંગ ઓપરેશન કરતા એ પત્રકારની વિરુદ્ધ જ કામગીરી કરાઈ હતી. ટૂંકમાં દેશમાં 2014 પછી ભાજપ કરે એ લીલા અને વિપક્ષ કરે એ ભવાઈનું નાટક બખૂબી ભજવાઈ રહ્યું છે.
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.