રેલવે, હોસ્પિટલો સહિત 135 સરકારી કચેરીઓ સામે પાલિકાની કાર્યવાહી પર સવાલ, બીજી બાજુ સામાન્ય નાગરિકોને સીલિંગની ધમકી
વડોદરા :;કાયદાનું પાલન કરાવવા અને જાહેર જનતાના રક્ષણની જવાબદારી જેના શિરે છે, તેવા વડોદરા શહેર પોલીસ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. સામાન્ય નાગરિકોની બેદરકારીના કિસ્સા તો અનેક સાંભળવા મળે છે, પરંતુ અહીં તો ખુદ પોલીસ વિભાગે જ પાલિકાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. એક ચોંકાવનારી વિગત અનુસાર, વડોદરા શહેર પોલીસ વિભાગનો છેલ્લા ચારથી પાંચ વર્ષથી અંદાજે ₹4 કરોડ જેટલો મિલકત વેરો ભરવાનો બાકી છે.
રેલવે વિભાગ બાદ હવે શહેર પોલીસ વિભાગ પણ પાલિકાના વેરાની બાકી રકમ મુદ્દે ચર્ચામાં આવ્યો છે. એક તરફ, પોલીસ વિભાગ સામાન્ય લોકોને કાયદાનું પાલન કરવા અને સમયસર વેરો ભરવા અંગે સમજણ આપે છે, તો બીજી તરફ, પોતાની કચેરીઓનો જંગી વેરો બાકી રાખીને ‘કાયદા સમજાવવામાં’ નિષ્ફળ નીવડી હોય તેવું ચિત્ર ઊભું થયું છે.
પાલિકા દ્વારા વારંવાર યાદી આપવા છતાં પોલીસ વિભાગ દ્વારા આ વેરાની ચુકવણી કરવામાં આવી નથી. આટલો મોટો વેરો બાકી હોવા છતાં, જ્યારે આ મામલે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે બાકી વેરા મામલે એડમીન ડીસીપીએ મૌન સેવ્યું હતું. એડમીન વિભાગના હેડ ડીસીપીએ આ અંગે કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું, જેના કારણે આ ગંભીર બેદરકારી વધુ શંકાસ્પદ બની છે.
સરકારી વિભાગો દ્વારા જ આ પ્રકારે વેરો બાકી રાખવામાં આવતા, પાલિકાની તિજોરી પર સીધી અસર પડે છે અને શહેરના વિકાસ કાર્યો માટે ફંડની અછત સર્જાય છે. જો પોલીસ વિભાગ જેવી કાયદાનું પાલન કરાવતી સંસ્થા જ નિયમોનું પાલન નહીં કરે, તો સામાન્ય નાગરિકો પાસેથી નિયમિતતાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આ મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી થાય અને બાકી વેરાની વસૂલાત કરવામાં આવે તે જરૂરી છે.