Columns

કારણ છે – મારા પિતા

એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. બંને સગા ભાઈઓ એક જ માતાપિતાનાં સંતાન પણ બંને વચ્ચે આસમાન જમીનનું અંતર. મોટો ભાઈ ઈમાનદાર વેપારી અને નાનો ભાઈ શરાબી અને જુગારી. બધાને તેમને જોઇને નવાઈ લાગતી કે બંને ભાઈઓ વચ્ચે આટલો ફરક કેમ? ગામના જુવાનિયાંઓએ આ ફરક શું કામ છે તે શોધવાનું નક્કી કર્યું. ગામના અનુભવી વૃધ્ધોને પૂછ્યું કે આ બે સાચે જ સગા ભાઈઓ છે ને? તપાસમાં કોઈ કારણ ન મળ્યું એટલે તેમણે બંને ભાઈઓને જ મળીને કારણ જાણવાનું નક્કી કર્યું.

નાનો ભાઈ રોજ નશો કરતો. કોઈ કામ ધંધો ના કરતો અને બધા જોડે મારપીટ અને ઝઘડા કરતો. સાંજે નાનો ભાઈ ઘરે પહોંચ્યો,નશામાં ધુત હતો. પત્ની જોડે તેણે ઝઘડો કર્યો. પેલા જુવાનિયા તેની પાછળ પાછળ તેના ઘરે ગયા અને સીધું પૂછી જ લીધું કે તમે આમ નશો કરી ઘરમાં મારપીટ કેમ કરો છો? નશામાં ધુત ભાઈ બોલ્યો, ‘‘તેનું કારણ મારા પિતા છે …હું નાનો હતો ત્યારે તેઓ રોજ શરાબ પીને ઘરે આવતા અને મારી માતાને મારતા…અમને બે ભાઈઓને ખીજાતા.એટલે હું પણ તેમનું જોઇને મોટો થયો અને તેમના જેવો જ બની ગયો.’’ ગામના યુવાનો આ જવાબ મેળવી બીજે દિવસે મોટા ભાઈની દુકાને ગયા અને તેમને પૂછ્યું, ‘‘સાહેબ, તમે એકદમ સફળ વેપારી છો, દરેક કામમાં તમને સફળતા મળે છે. ગામનાં બધાં લોકોને પણ તમે મદદ કરો છો. બધાં તમને સન્માન આપે છે. તમારી આ બધી સફળતાનું કારણ શું છે?’’

વેપારી મોટા ભાઈએ જવાન આપ્યો, ‘‘મારી સફળતાનું કારણ છે મારા પિતા. હું નાનો હતો ત્યારે તેઓ રોજ શરાબ પીને ઘરે આવતા અને મારી માતાને મારતા. અમને બે ભાઈઓને ખીજાતા. એટલે હું ચુપચાપ તેમને જોઇને મોટો થયો અને મનમાં મેં નિશ્ચય કર્યો હતો કે હું તેમના જેવો નહિ જ બનું. હું મોટો થઈ એકદમ સભ્ય અને શાંત સજ્જન બનીશ અને બધાને મદદ કરીશ એટલે આ વિચાર સાથે હું મોટો થયો અને સફળ બન્યો.’’ જીવનમાં શું બનવું? કેવા બનવું? સારા કે ખરાબ બનવું, બધો આધાર આપણા વિચારો પર રહે છે. આપણે કોની પાસેથી શું પ્રેરણા લઈએ છીએ તેનો આધાર આપણી વિચારશક્તિ પર છે. જીવનમાં એવા બનો, એવાં કામ કરો કે લોકો માટે આદર્શ અને પ્રેરણારૂપ બની શકો.        
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top