યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ પર હલકી ગુણવત્તાવાળા ગાયનું ઘી વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે કોર્ટના આદેશ બાદ પતંજલિ ઘીના ઉત્પાદક અને વિતરક પર કુલ 1.40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, પતંજલિ આયુર્વેદ લિમિટેડે સ્પષ્ટતા કરી છે કે આ આદેશ ખામીયુક્ત અને ગેરકાયદેસર છે.
ઉત્તરાખંડના પિથોરાગઢમાં એડિશનલ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ્ય અને કેન્દ્રીય પ્રયોગશાળાઓમાં પતંજલિ ધીના નમૂનાઓના પરીક્ષણમાં નિષ્ફળ જવાથી તેના ઉત્પાદક, વિતરક અને છૂટક વિક્રેતાને અનુક્રમે 1.25 લાખ રૂપિયા અને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો छ
પિથોરાગઢના ફૂડ સેફ્ટીના આસિસ્ટન્ટ કમિશનર આરકે શર્માએ કહ્યું કે, ત્રણેય વિરુદ્ધ ફૂડ સેફટી એકટની કલમ 46/4 હેઠળ એડીએમ પિથોરાગઢની કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં 19 નવેમ્બરના રોજ કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેની નકલ 28 નવેમ્બરે મળી છે.
શર્માના જણાવ્યા મુજબ, ઓકટોબર 2020 માં ધીના નમૂના લેવામાં આવ્યા હતા અને રુદ્રપુર સ્થિત રાજ્ય ખાદ્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તે નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ વેપારીઓએ સપ્ટેમ્બર 2021 માં કેન્દ્ર સરકારની પ્રયોગશાળામાં પરીક્ષણની વિનંતી કરી હતી, જ્યાં 2022 માં નમૂનાઓ નિષ્ફળ જાહેર કરવામાં આવ્યા હતા.
પિથોરાગઢના આસિસ્ટન્ટ ફૂડ સેફટી કમિશનરે જણાવ્યું હતું કે, ત્યાર બાદ અમારા તે સમયના ફૂડ સેફ્ટી ઓફિસર દિલીપ કુમાર જૈનને 17 ફેબ્રુઆરી, 2022 ના રોજ SDM કોર્ટમાં કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેનો નિર્ણય આ મહિને 19 નવેમ્બરના રોજ આવ્યો હતો.
કોર્ટના આદેશ પર પતંજલિએ શું કહ્યું?
પતંજલિ આયુર્વેદ લિમિટેડે શુક્રવારે તા. 28 નવેમ્બરે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક સ્પષ્ટતા જારી કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ સ્પષ્ટતા 20 ઓકટોબર 2020 ના રોજ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, પિથોરાગઢ દ્વારા ફૂડ સેફ્ટી એકટ હેઠળ લેવામાં આવેલા પતંજલિ ગાયના ઘીના નમૂના અંગેના કેસ અને કોર્ટના સંબંધિત આદેશ અંગેના મીડિયા અહેવાલો દ્વારા અમારા ધ્યાનમાં આવી છે. આ આદેશ નીચેના કારણોસર ભૂલભરેલો અને ગેરકાયદેસર છે:
- રેફરલ લેબોરેટરી ગાયના ઘીનું પરીક્ષણ કરવા માટે NABL દ્વારા માન્યતા પ્રાપ્ત ન હતી, તેથી ત્યાં કરવામાં આવેલ પરીક્ષણ કાયદેસર રીતે સ્વીકાર્ય નથી. એક હલકી ગુણવત્તાવાળી લેબે પતંજલિના શ્રેષ્ઠ ગાયના ઘીને હલકી ગુણવત્તાવાળા જાહેર કર્યા છે તે હાસ્યાસ્પદ અને અત્યંત વાંધાજનક છે.
- જે પરિમાણોના આધારે નમૂનાને નિષ્ફળ જાહેર કરવામાં આવ્યો હતો તે તે સમયે લાગુ પડતા નહોતા, તેથી તેનો ઉપયોગ કાયદેસર રીતે ખોટો છે.
- નમૂનાની સમાપ્તિ તારીખ પછી ફરીથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે કાયદા મુજબ અમાન્ય છે.
કોર્ટે આ બધી મુખ્ય દલીલોને ધ્યાનમાં લીધા વિના પ્રતિકૂળ આદેશ આપ્યો, જે કાયદેસર રીતે ખોટો છે. આ આદેશ સામે ફૂડ સેફટી ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરવામાં આવી રહી છે, અને અમને વિશ્વાસ છે કે ટ્રિબ્યુનલ તેની સમક્ષ રજૂ કરાયેલા મજબૂત આધારોના આધારે આ બાબતનો નિર્ણય અમારા પક્ષમાં કરશે.
કોઈ પણ સંજોગોમાં આ નિર્ણયમાં ક્યાંય પણ પતંજલિ ગાયનું ઘી ખાવા માટે હાનિકારક દેખાતું નથી. તે ફક્ત એટલું જ સ્પષ્ટ કરે છે કે ઘીમાં RM મૂલ્ય ધોરણથી થોડો તફાવત છે. આ RM મૂલ્ય ઘીમાં અસ્થિર ફેટી એસિડ્સ (જે ઘી ગરમ કરવામાં આવે ત્યારે અસ્થિર બને છે) નું સ્તર દર્શાવે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે અને ધીની ગુણવત્તા પર તેની કોઈ અસર થતી નથી. જેમ શરીરમાં હિમોગ્લોબિનના સ્તરમાં થોડો તફાવત સ્વાભાવિક છે.
આ RM મૂલ્ય ધોરણ પ્રાણીઓના આહાર અને આબોહવાના આધારે પ્રાદેશિક રીતે બદલાય છે. સરકારી નિયમનકારી સંસ્થા FSSAI પણ આ RM મૂલ્યમાં ફેરફાર કરતી રહે છે. ક્યારેક પ્રાદેશિક ધોરણે અલગ અલગ RM મૂલ્યો પૂરા પાડવામાં આવે છે, જ્યારે ક્યારેક રાષ્ટ્રીય સ્તરે એક જ RM મૂલ્ય નક્કી કરવામાં આવે છે. પતંજલિ કડક ધોરણો અને નિરીક્ષણોના આધારે દેશભરમાંથી દૂધ અને ગાયનું ઘી એકત્રિત કરે છે અને તેને રાષ્ટ્રીય સ્તરે વેચે છે.