સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એક સમયે કાબુમાં આવી ચૂકેલા કોરોના સંક્રમણમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. ચૂંટણીને કારણે શહેરમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. પ્રતિદિન શહેરમાં 150થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. મ્યુનિ.કમિ. બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં હાલમાં 40 ટકા કેસ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા (Travel History) છે. જેથી શહેર બહારથી આવનારા લોકો ટેસ્ટ (Test) કરાવે છે કે કેમ? અને તેઓને સેલ્ફ આઈસોલેટ થવા માટે ખુદ મનપા કમિશનર ચેકપોસ્ટ પર પહોંચ્યા હતા અને બહારથી આવનારા લોકોને સેલ્ફ આઈસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. મહારાષ્ટ્ર-રાજસ્થાન (Maharashtra-Rajashan) સહિત અન્ય રાજ્યમાંથી આવતા લોકોની ટેસ્ટિંગ પ્રક્રિયાનું ભાટિયા ટોલનાકા પર મનપા કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વેક્સિનેશન બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે મેયર પણ આગળ આવ્યા
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવાઈ છે. હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન વર્કરો તેમજ કો-મોર્બિડ અને 60 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ વેક્સિનેશન ફરજીયાત નહી હોવાથી ઘણા લોકો વેક્સિન મુકાવી રહ્યા નથી. વેક્સિન બાબતે હજી પણ લોકોમાં બીક હોય, મેયર હેમાલી બોઘાવાલાએ સ્મીમેર ખાતે લોકોને વેક્સિન બાબતે સમજણ આપી હતી. શહેરમાં હાલમાં સૌથી વધુ કેસ અઠવા અને રાંદેર ઝોનમાં નોંધાઈ રહ્યા છે. પરંતુ આ ઝોનમાં જ વેક્સિનેશન બાબતે નિરસતા જોવા મળી રહી છે.
શહેરના અઠવા ઝોનમાં 44, વરાછા ઝોનમાં 34 અને રાંદેર ઝોનમાં માત્ર 38 ટકા લોકોએ જ અત્યાર સુધી વેક્સિનેશનનો લાભ લીધો છે. મનપા દ્વારા કો-મોર્બીડ અને સીનીયર સીટીઝનોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ બાબત જાણવા મળી હતી. જેથી મનપા કમિશનરે વધુમાં વધુ વેક્સિનનો લાભ લે તે માટે અપીલ કરી છે. સાથે જ વિવિધ સમાજ દ્વારા હવે સમાજની વાડીઓમાં પણ વિનામુલ્યે વેક્સિનેશન કરાવવા માટે આગળ આવી રહ્યા છે. પાલમાં મોઢવણિક સમાજની વાડીમાં વડીલો માટે વિનામુલ્યે વેક્સિનની કામગીરીનો આજે મેયર હેમાલી બોઘાવાલા દ્વારા પ્રારંભ કરાવાયો હતો.
સુરત શહેરમાં હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જેમાં શૈક્ષણિક સંકુલો-શાળા કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં કોરોનાના પોઝિટિવ કેસ મળી રહ્યા છે. જેથી મનપા દ્વારા સુરતની તમામ શાળા/કોલેજોમાં સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહયું છે. શહેરની સી.ડી.બરફીવાલા કોલેજમાં 10 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા, આ કોલેજને 14 દિવસ માટે આ કોલેજને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે સંત નામદેવ નગર પ્રાથમિક શાળામાં 6 વિદ્યાર્થીઓ અને સંત નચિકેતા પ્રાથમિક શાળામાંથી 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળતાં આ શાળાઓ પણ 14 દિવસ માટે બંધ રાખવામાં આવશે. શહેરની તમામ શેક્ષણિક સંકુલને કોરોના વાયરસનાં હાલના સંક્રમણને ધ્યાને લેતા જરૂરી તકેદારી રાખવા તેમજ શકય હોય તો શેક્ષણિક કાર્ય બંધ કરી ઓનલાઈન કલાસ ચલાવવા માટે મનપા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.