સુરત: એકબાજુ સુરત શહેરની સ્વચ્છતા મુદ્દે સમગ્ર દેશમાં અવ્વલ હોવાની આલબેલ પોકારાય છે. તો બીજી બાજુ શહેરવાસીઓ આ સ્વચ્છતાનો અહેસાસ થતો નહીં હોવાથી ગંદકીની ફરિયાદો વધી રહી છે.
રાંદેર ઝોનમાં બોટોનિકલ ગાર્ડન પાસે ખુલ્લા પ્લોટમાં ગાર્ડન વેસ્ટનો નિકાલ થતો નથી. જેના કારણે આસપાસના રહીશો પરેશાન થયા છે અને ફરિયાદ કરીને થાક્યા છે.
- સ્વચ્છતામાં નં.1 સુરતમાં યુવકની વ્યથા: ‘લગ્ન કરવા મુશ્કેલ બન્યા, છોકરીવાળા જોવા આવે છે ને ગંદકી જોઈને ના પાડી દે છે’
- રાંદેર ઝોનમાં ગાર્ડન વેસ્ટ મુદ્દે ફરિયાદીએ વ્યક્ત કરેલી વ્યથાથી ચકચાર
- 100 અરજી કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો
- પગ નીચે રેલો આવતાં તંત્રએ યુદ્ધના ધોરણે સફાઈ ચાલુ કરી દીધી
એક યુવકે ઓનલાઈન કરેલી ફરિયાદમાં વ્યથા વ્યક્ત કરી છે કે, મનપા અહીં કચરો સળગાવે છે અને 24 કલાક ધુમાડો રહે છે. બાજુમાં જ તેઓનાં ખેતર છે અને છોકરીવાળા જોવા આવે છે અને આજુબાજુની ગંદકી જોઈને ના પાડી દે છે અને તેનાં લગ્ન થતાં નથી. એવો ઉલ્લેખ કરાયો છે કે, 100થી વધુ ફરિયાદ કરાઇ છે. જો કે, હવે પગ નીચે રેલો આવતાં તંત્રએ સફાઇ ચાલુ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરમાં આવેલ બાગ-બગીચાના કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને વ્યવસ્થામાં સુરત મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું હોવાના આક્ષેપો ઊઠ્યા છે. શહેરમાં મોટા ભાગના બાગ-બગીચામાંથી નીકળતા હોર્ટિકલ્ચરલ વેસ્ટના નિકાલમાં સુરત મહાનગર પાલિકાની કામગીરી દીવા તળે અંધારા જેવી છે. રાંદેર ઝોનમાં બોટોનિકલ ગાર્ડન પાસે આવેલી ખુલ્લી જમીનમાં હોર્ટિકલ્ચરલ વેસ્ટના ઢગલાને લીધે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓથી માંડીને રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે સ્થાનિક રહીશ દ્વારા પણ મનપાને ઓનલાઈન ફરિયાદ કરી છે. વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ છે કે, આ ગંદકીને કારણે એક યુવકનાં લગ્ન કેન્સલ થયાં છે. તેમ તેણે ઓનલાઈન ફરિયાદમાં પણ લખ્યું છે. જો કે, આ વાત અખબારોમાં છપાતાં મનપાના તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઇ ચાલુ કરાઈ છે.