કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે બુધવારે તેઓએ સાબરકાંઠા અને ગાંધીનગરની મુલાકાત લીધી હતી. ત્યાં રિવ્યુ મિટિંગમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓને હાઈવે ની ગુણવત્તામાં કચાશ ન રાખવા સૂચના આપી હતી.
દરમિયાન આજે ગુરુવારે મંત્રી સુરત આવી પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પર તેમનું ભાજપ દ્વારા સ્વાગત કરાયું હતું. મંત્રી દક્ષિણ ગુજરાતમાં નિર્માણાધીન મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા રવાના થઈ ચૂક્યા છે. સુરત જિલ્લામાંથી પસાર થતા બે નેશનલ હાઈવે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીની તેઓ સમીક્ષા કરવાના છે, તેથી નેશનલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ ઊંચા નીચા થઈ ગયા છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કુલ 300 કિલોમીટરથી વધુના નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વેની કામગીરીની સમીક્ષા કરવાના છે. NH-53 અને NH-48ના લગભગ 100 કિલોમીટરા રોડનું નિરીક્ષણ તેઓ કરવાના છે, જ્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના 200 કિલોમીટરના રોડનો હેલિકોપ્ટરથી એરિયલ સર્વે કરશે.
આજે સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ એક બસમાં બેસી દક્ષિણ ગુજરાતના મહત્ત્વપૂર્ણ હાઈવે પ્રોજેક્ટસના નિરીક્ષણ માટે નીતિન ગડકરી રવાના થયા હતા. બસમાં તેમની સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા ખાસ અધિકારીઓ જોડાયા હતા. વાસ્તવિક સ્તરે નિર્માણ કાર્યમાં આવતી સમસ્યાઓ જાણવા માટે ગડકરી સ્થળ વિઝીટ કરી રહ્યાં છે. આ સાથે જ રોડની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવાનો પણ તેમનો હેતુ છે.
ગડકરી આ બસ દ્વારા હાઇવેની ગુણવત્તા, તેના બાંધકામની મજબૂતી અને તેની સપાટીની સ્થિતિનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરવાના છે. આ ઉપરાંત, તેઓ ખાસ કરીને વાહન ચાલકોને થતી હાલાકી અને મુશ્કેલીઓનું જાતે નિરીક્ષણ કરશે, જેમાં ટ્રાફિક જામ, રોડની ખામીઓ, કે અન્ય અવ્યવસ્થિતતા જેવા મુદ્દાઓ સામેલ છે. અધિકારીઓ સાથે બસમાં પ્રવાસ કરીને તેઓ સ્થળ પર જ પ્રશ્નોનું વિશ્લેષણ કરીને તાત્કાલિક સૂચનો આપશે, જેથી દક્ષિણ ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારી શકાય અને લોકો માટે મુસાફરી વધુ સુરક્ષિત અને સરળ બનાવી શકાય.