( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગ પર 10 ફૂટ ઊંડો ભુવો નિર્માણ પામ્યો હતો. જેના કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડવા પામી હતી. હાલ બેરીકેટ મૂકી ભુવાને કોર્ડન કરી તંત્રે સંતોષ માણી લીધો છે. જોકે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવાની ફરજ પડી રહી છે.

સ્માર્ટ સિટી વડોદરા હવે ભુવા નગરી તરીકે પણ પ્રચલિત છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભુવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. રોડ પર રોડ બનતા ગયા અને ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા ગયા, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે છાશ વારે રાજમાર્ગો પર ખાડા ભુવા પડી રહ્યા છે.

ત્યારે બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં પાલિકાના વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે રોડની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં આ માર્ગ ઉપર ફરી એક ભુવો નિર્માણ પામ્યો છે. હાથથી પોપડા ઉખડી જાય તે પ્રકારનું મટીરીયલ વાપરીને આ રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વિસ્તારના જાગૃત આગેવાન દ્વારા કરવામાં આવ્યા છે, સાથે જ આ રોડ પર અગાઉ પણ ત્રણ જેટલા ભુવા પડી ગયા છે. તેવામાં વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો જે ઉપરથી દેખાવમાં નાનો છે, પણ અંદરથી ઊંડો છે. હાલ આ ભુવાને બેરીકેટ મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે. જોકે વાહનચાલકોને પણ અકસ્માતનું જોખમ રહેલું છે. ત્યારે વિસ્તારના આગેવાન મેહુલભાઈએ ભુવાને લઈ કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.