National

ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારોહથી પાછી ફરી રહેલી જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત

ઉત્તર પ્રદેશમાં એક હૃદયવિદારક અકસ્માત સામે આવ્યો છે. આજે તા. 26 નવેમ્બર બુધવારે વહેલી સવારે લગ્ન સમારોહથી પાછા ફરી રહેલી જાનૈયાઓની કાર અચાનક નહેરમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં પાંચ લોકોને જીવ ગુમાવવો પડ્યો. જ્યારે કારનો ડ્રાઈવર હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના વિશે માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

કેવી રીતે બન્યો અકસ્માત?
માહિતી મુજબ જાનૈયાઓની કાર ઢખેરવા-ગિરજાપુરી હાઇવે પરથી પસાર થઈ રહી હતી. કાર પરત ફરતી વખતે અચાનક સંતુલન ગુમાવતાં સીધી શારદા નહેરમાં જઈ ખાબકી પડી. કાર પાણીમાં પડતાં જ જોરદાર અવાજ થયો અને નજીકના લોકો દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા. સ્થાનિકોએ તરત પોલીસને જાણ કરી અને બચાવ માટે પ્રયત્નો શરૂ કર્યા પરંતુ કારના દરવાજા લૉક હોવાથી અંદર બેઠેલા લોકો બહાર આવી શક્યા નહોતા. થોડા જ પળોમાં કાર પાણીમાં ડૂબી ગઈ અને સ્થિતિ વધુ ગંભીર બની ગઈ.

બચાવ કામગીરી અને સ્થિતિ
પોલીસ અને ગ્રામીણોએ ટોર્ચના પ્રકાશમાં બચાવ કામગીરી શરૂ કરી હતી. હોડીની મદદથી નહેરમાં રહેલી કાર સુધી પહોંચવામાં આવ્યું અને કારનો દરવાજો તોડી ખોલવામાં આવ્યો. અંદર છ લોકો સવાર હતા. જેમાંથી પાંચ લોકો મૃત હાલતમાં મળી આવ્યા. જ્યારે ડ્રાઈવર બબલુના શ્વાસ ચાલુ હોવાની જાણ થતા તેને તરત જ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ડૉક્ટર્સ મુજબ તેની સ્થિતિ હાલ નાજુક છે અને સારવાર ચાલુ છે. કારને બાદમાં ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી.

મૃતકોની ઓળખ
મૃત્યુ પામેલા પાંચ લોકોમાં 23 વર્ષીય જીતેન્દ્ર, 25 વર્ષીય ઘનશ્યા, 45 વર્ષીય લાલજી અને 50 વર્ષીય સુરેશનો સમાવેશ થાય છે. એક વ્યક્તિની ઓળખ હજુ થઈ શકી નથી. તમામ મૃતકો બહરાઈચ જિલ્લાના સુજૌલી વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારમાં શોકની લાગણી
આ અકસ્માત બાદ મૃતકોના પરિવારમાં શોક અને આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. લગ્નની ખુશી બાદ આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દુઃખનું વાતાવરણ ઉત્પન્ન કર્યું છે. પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલુ છે

Most Popular

To Top