National

કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત: વરિષ્ઠ IAS અધિકારી સહિત 3ના મોત

કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં એક દિલદહોળી દેતી માર્ગ દુર્ઘટનામાં વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગીનું મોત નીપજ્યું. તેમની સાથે તેમના બે ભાઈઓનું પણ ઘટનાસ્થળે જ અવસાન થયું. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણ રીતે નાશ પામી ગઈ. પોલીસ ઘટના અંગે તપાસમાં લાગી છે.

શું ઘટના હતી?
મળતી માહિતી મુજબ આ અકસ્માત મંગળવાર તા.25 નવેમ્બરના રોજ મોડી રાત્રે જેવાર્ગી તાલુકાના ગૌનહલ્લી ક્રોસ નજીક થયો હતો. IAS અધિકારી મહંતેશ બિલાગી પોતાની ઇનોવા કારમાં વિજયપુરાથી કાલાબુર્ગી તરફ જઈ રહ્યા હતા. કારે અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને બાઇપાસ રોડ પર પલટી ગઈ હતી.

કારમાં કુલ ચાર લોકો સવાર હતા:

  • મહંતેશ બિલાગી (51) – IAS અધિકારી
  • શંકર બિલાગી (55) – ભાઈ
  • ઈરન્ના બિલાગી (53) – ભાઈ
  • કાર ડ્રાઈવર

આ અકસ્માતમાં શંકર અને ઈરન્ના બિલાગીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે મહંતેશ બિલાગીને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમ્યાન તેમનું પણ અવસાન થયું હતું. કાર ડ્રાઈવર સામાન્ય ઈજાઓ સાથે બચી ગયો હતો.

મહંતેશ બિલાગી 2012ની બેચના IAS અધિકારી હતા અને હાલમાં કર્ણાટક સ્ટેટ મિનરલ્સ કોર્પોરેશન લિમિટેડ (KSMCL)માં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. આ પહેલાં તેઓ બેંગ્લોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની (BESCOM)ના એમડી તરીકે પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

તેમનું અવસાન કર્ણાટક પ્રશાસન માટે મોટી ખોટ માનવામાં આવી રહી છે, કારણ કે બિલાગી પોતાની કાર્યશૈલી અને વ્યવસ્થાપન માટે જાણીતા અધિકારી હતા.

અકસ્માત બાદની કાર્યવાહી
ઓછા સમયમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે મહેનત કરવી પડી. કારની આગળની બોડી અને વિન્ડશીલ્ડ સંપૂર્ણ રીતે તૂટી ગયેલી હાલતમાં મળી આવી.

પોલીસે કેસ નોંધ્યો છે અને પ્રાથમિક તપાસમાં ઝડપ અને નિયંત્રણ ગુમાવવું અકસ્માતનું મુખ્ય કારણ માની શકાય છે. જોકે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલુ છે.

આ દુર્ઘટનાએ વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને રાજ્યમાં માર્ગ સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઉભા કર્યા છે.

Most Popular

To Top