છેલ્લા દસ વર્ષમાં જોવા મળ્યું કે એક છત નીચે રહેતી ત્રણ પેઢી વચ્ચે પરસ્પરતા, સહનશીલતા અને સંવાદ ઓછા થયા છે, કડવું છે પણ સત્ય છે. ત્રીસ વર્ષ પહેલાંનું મધ્યમ વર્ગનું સંયુક્ત કુટુંબ અને પરસ્પરની સહિષ્ણુતા અને સહનશીલતા કંઈ ઔર જ હતી! ઓછા પૈસા ઓછી સગવડ છતાં. સક્ષમ નબળાને સાચવી લે, નિભાવી લે, એ સુખ હતું. આજે કદાચ ત્રણેય પેઢી સક્ષમ છે પણ એકમેકની ઈર્ષા મોટું દુઃખ છે. લાગણીઓનું સ્થાન વાત અને સંવાદ જ લઈ શકે તેને AI નું સ્થાન આપીશું તો મધ્યમ વર્ગ જે દેશ અને સમાજમાં મોટો વર્ગ છે તેની સામૂહિક લાગણીની, કુટુંબની વિભાવના છીન્નભિન્ન થશે જ.
એક વખત હતો મધ્યમ વર્ગીય પિતા દીકરાની કારકિર્દી શરૂ કરવામાં મદદ કરતો, બાદમાં કારકિર્દી બનાવીને દીકરો પણ પડખે રહેતો. સીમિત સાધનો, સીમિત પૈસા છતાં ખુશ રહેવાની ગુણવત્તા ઉત્તમ હતી. આજે સંપન્ન સાધનો પૂરતા પૈસા છતાં હેપીનેસ ઇન્ડેક્સ રેશિયો ડાઉન જાય છે અને ગયો છે એ હકીકત વિશે આપણે મનોમંથન કરવું જ રહ્યું. પરસ્પર હૂંફ, સ્નેહ, સ્વીકાર, લાગણી અને સહનશીલતા, ક્ષમા સંયુક્ત મધ્યમ વર્ગીય કુટુંબનો આત્મા છે.
નવસારી – રાજન જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.