Entertainment

બોલિવુડની હિરોઈન સાથે તેનો પતિ મારપીટ કરે છે, મામલો કોર્ટ પહોંચ્યો

એક હિરોઈને તેના પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાની કોર્ટને ફરિયાદ આપતા બોલિવુડમાં ચકચાર મચી ગઈ છે. પતિ તેની સાથે મારપીટ કરતો હોવાનો ગંભીર આક્ષેપ હિરોઈને કર્યો છે. પોતાના વિદેશી પતિ સામે ડિવોર્સનો કેસ દાખલ કરી આ હિરોઈને ભરણપોષણ પેટે 50 કરોડની માતબર રકમની માગણી કરી છે.

આ અભિનેત્રી છે સેલિના જેટલી. અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના લગ્ન જીવન વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણીએ તેના પતિ પીટર હાગ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે અને મદદ માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. સેલિનાએ પીટર પર ઘરેલુ હિંસા, ક્રૂરતા અને છેડતીનો આરોપ લગાવ્યો છે.

સેલિના જેટલીએ મુંબઈની એક કોર્ટમાં તેના ઓસ્ટ્રિયાના હોટેલિયર અને ઉદ્યોગસાહસિક પતિ પીટર હાગ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. સેલિનાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેના પર ગંભીર માનસિક, શારીરિક અને જાતીય શોષણ કર્યું છે.

આજે મંગળવારે તા. 25 નવેમ્બર 2025ના રોજ આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.સી. ટેડ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. કોર્ટે પીટર હાગને નોટિસ જારી કરી. કોર્ટે આગામી સુનાવણીની તારીખ 12 ડિસેમ્બર નક્કી કરી છે. કરંજવાલા એન્ડ કંપની લો ફર્મ દ્વારા દાખલ કરાયેલી પોતાની અરજીમાં સેલિનાએ તેના પતિ દ્વારા ઘરેલુ હિંસા, ક્રૂરતા અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે.

પતિના ત્રાસથી કંટાળી ભારત પરત આવી
સેલિનાએ કોર્ટને જણાવ્યું કે તેનો પતિ સતત તેને મારતો હતો. અવારનવાર ઝઘડા કરતો હતો. પતિના દુર્વ્યવહારને કારણે તેને ઓસ્ટ્રેિયા છોડીને ભારત પાછા ફરવું પડ્યું છે. તેણે એમ પણ કહ્યું કે લગ્ન પછી તેના પતિએ તેને કામ કરતા પણ અટકાવી હતી.

સેલિનાએ 50 કરોડનું ભરણપોષણ માંગ્યું
અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સેલિનાએ તેના પતિ પાસેથી માનસિક અને શારીરિક શોષણ માટે 50 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

સેલિનાએ બે વાર જોડિયા બાળકોને જન્મ આપ્યો
સેલિના જેટલી અને પીટર હાગે 2011માં ઑસ્ટ્રિયામાં લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન સેલિનાએ બે વાર જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. માર્ચ 2012માં વિન્સ્ટન અને વિરાજ અને 2017માં આર્થર અને શમશેર. જોકે, શમશેરનું હાયપોપ્લાસ્ટિક હૃદય રોગને કારણે મૃત્યુ થયું.

સેલિના અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે
આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે વારંવાર તેના પતિ અને બાળકો સાથે ફોટા અને વીડિયો શેર કરે છે. હવે, તેણે અચાનક તેના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને બધાને ચોંકાવી દીધા છે. પીટરે હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી. ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને અભિનેત્રી સેલિના જેટલી ‘નો એન્ટ્રી’, ‘ગોલમાલ રિટર્ન્સ’, ‘થેંક યુ’, ‘અપના સપના મની મની’ અને ‘મની હૈ તો હની હૈ’ જેવી ફિલ્મો માટે જાણીતી છે.

Most Popular

To Top