પહેલી ટી-20માં આઠ વિકેટથી હારનો સામનો કરનારી ભારતીય ટીમ આજે બેવડા જોર સાથે બીજી ટી-20માં વળતો પ્રહાર કરવાના ઇરાદે ઉતરશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સતત સારું પ્રદર્શન કરતી આવી છે. પાછલી કેટલીક સિરીઝમાં એ જોવામાં આવ્યું છે કે ભારતીય ટીમ પહેલી મેચ હાર્યા બાદ સારું પ્રદર્શન કરીને સિરીઝમાં પરત ફરે છે અને ભારતીય ક્રિકેટના ચાહકો પણ એવી જ આશા રાખશે કે ટીમ ઇન્ડિયા બાઉન્સબેક કરે અને જીતના માર્ગે પરત ફરશે.
પહેલી ટી-20માં ત્રણ સ્પિનરને રમાડવાને લઇને વિરાટ કોહલીના નિર્ણય પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને તે જોતાં આ ટી-20માં અક્ષર પટેલને બેસાડીને વધુ એક વિશેષજ્ઞ બેટ્સમેનને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે.
હાલની પરિસ્થિતિને જોતા સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો રોહિત શર્મા સંપૂર્ણ ફિટ થાય તો શિખર ધવનના સ્થાને ટીમમાં આવે તેવી પણ સંભાવના છે. ટૂંકમાં પહેલી ટી-20માં હાર મળ્યા બાદ ભારતીય ટીમમાં બે-ત્રણ ફેરફારો કરવામાં આવે તો ખાસ કોઇ નવાઇ થશે નહીં.
આ ત્રણ મહિનામાં ભારતની પહેલી મર્યાદિત ઓવરની મેચ હતી પરંતુ કે.એલ.રાહુલ, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ જેવા ‘મેચ વિનર્સ’ પ્રદર્શન કરી શક્યા ન હતા. ઇંગ્લેન્ડે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ત્રણેયમાં ભારત કરતા ચઢીયાતું સાબિત થયું હતું.
જો કે, ભારતીય ટીમની હાર માટે ટીકા કરી શકાય તેમ નથી કારણ કે વિરાટ કોહલીની ટીમ હાર બાદ શાનદાર વાપસી કરવામાં મહારત હાંસલ કરી છે. કોહલીએ જોકે મેચ પહેલા ‘એક્સ ફેક્ટર’ (મેચ વિજેતા ખેલાડી) વિશે વાત કરી હતી, તેથી ઋષભ પંત અને હાર્દિક પંડ્યા તેની વધુ અપેક્ષા રાખશે. બંને બેજવાબદારીથી પોતાની વિકેટ ગુમાવી હતી.
શ્રેયસ એય્યરને બાદ કરતાં, કોઈ પણ ભારતીય બેટ્સમેન જોફ્રા આર્ચર અને માર્ક વુડની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણનો સામનો કરી શક્યું નહીં. પંડ્યા અને પંત વિકેટની ગતિથી રન વધારી શક્યા નહીં અને બોલ જે વધારાની બાઉન્સ મેળવી રહ્યો હતો તેનો સામનો કરી શક્યા નહીં.