બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર રહ્યાં નથી. 89ની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. મુંબઈના વિલે પાર્લે સ્મશાન ઘાટ પર તેમના દેહના અંતિમ સંસ્કાર કરાયા.
ધર્મેન્દ્રને બોલીવુડના હી-મેન કહેવામાં આવતા હતા. આ નામ તેમને મળ્યું તે પાછળ ખાસ સ્ટોરી છે. ધર્મેન્દ્રને આ નામ મળ્યું તેનો શ્રેય 1966ની ફિલ્મ ફૂલ ઔર પત્થરને જાય છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર પર એક દ્રશ્ય ફિલ્માવાયું હતું જેમાં તેમણે પહેલીવાર શર્ટ ઉતાર્યું હતું. શર્ટલેસ તસ્વીરોએ ધર્મેન્દ્રને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા હતા. આ મૂવીમાં ધર્મેન્દ્રને એક્શન હીરો તરીકેની ઓળખ મળી હતી. તેમની મસ્ક્યુલર બોડી એ તેમની હીમેનની ઈમેજને વધુ મજબૂત કરી હતી.
હી-મેન નામ કોણે આપ્યું?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ધર્મેન્દ્રને “હી-મેન” નામ કોણે આપ્યું? તેનો જવાબ એ ફિલ્મ પછી તેમને મળેલી લોકપ્રિયતામાં રહેલો છે. ફિલ્મ પછી મેગેઝિનોએ તેમના ફોટા અને તંદુરસ્ત બોડીનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. તેમને તેમના સમયના શ્રેષ્ઠ એક્શન હીરો કહેવામાં આવતા હતા. હિન્દી ફિલ્મ ઉદ્યોગ અને મીડિયાએ તેમને આ નામ આપ્યું. ધર્મેન્દ્ર સંબંધિત સમાચારોમાં આ નામનો ઉપયોગ ઝડપથી થવા લાગ્યો. ત્યાર બાદ શ્રેણીબદ્ધ ફિલ્મોમાં તેમના એક્શન દ્રશ્યોએ તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો. ધર્મેન્દ્રને તે સમયે બોલિવૂડનો હી-મેન કહેવામાં આવતા હતા.
1966માં આવેલી ઓ.પી. રાલ્હનની એક્શન ફિલ્મ “ફૂલ ઔર પથ્થર” ખૂબ જ સફળ સાબિત થઈ. આ ફિલ્મે ધર્મેન્દ્રનું જીવન બદલી નાખ્યું. આ ફિલ્મ પછી ધર્મેન્દ્રની મહિલા ચાહકોની સંખ્યામાં વધારો થયો. કારણ કે તેઓ શર્ટલેસ થનારા પહેલા સ્ટાર હતા.
ધર્મેન્દ્રએ ફિયાટ કાર કેમ ખરીદી?
જેમ જેમ ધર્મેન્દ્રની આવક વધતી ગઈ, ધર્મેન્દ્રએ એક ચોક્કસ હેતુ માટે ફિયાટ કાર ખરીદી. તેમના ભાઈએ તેમને ફિયાટ કરતાં સારી કાર ખરીદવાનું સૂચન કર્યું પરંતુ ધર્મેન્દ્રએ તેમના ભાઈને કહ્યું, “હું આ ઈન્ડસ્ટ્રી પર વિશ્વાસ કરી શકતો નથી. જો મને કામ નહીં મળે, તો હું ફિયાટ ટેક્સી બનાવીશ અને ચલાવીશ, પછી આપણે ફરીથી સંઘર્ષ કરીશું.” પરંતુ તે દિવસ ક્યારેય આવ્યો નહીં અને તેઓ સતત સફળતાની સીડી ચઢતા રહ્યાં.