Charchapatra

આર્થિક અસમાનતા શિખરે

ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચે વધતી જતી આર્થિક ખાઈ ચિંતાજનક રીતે વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર ફક્ત એક ટકો જેટલા સૌથી વધુ ધનિકો પાસે 40 % જેટલી સંપત્તિ છે. સૌથી અસમાન આવકની દૃષ્ટિએ આપણો દેશ વિશ્વમાં બીજા ક્રમે છે. દેશમાં બેકારીનું પ્રમાણ વધી રહ્યું છે જેને પરિણામે આર્થિક અસમાનતાને પરિણામે લોકોમાં વિદ્રોહની ભાવના જન્મી રહી છે. દેશ અને દુનિયામાં કરોડો લોકો દારુણ ગરીબીમાં જીવતા હોય એ માનવજાત માટે શરમજનક બાબત છે. ગરીબીમાં સબડતા લોકોની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. આર્થિક અને સંપત્તિની અસમાનતાને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રમાણિકપણે પ્રયત્નો થવા જરૂરી છે. આપણા દેશે આર્થિક વિકાસ સાધવો હોય તો આર્થિક અસમાનતા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.દેશમાં સૌથી ધનવાન લોકો અને ગરીબીમાં જીવન પસાર કરતા લોકો વચ્ચેની ખર્ચ કરવાની ક્ષમતાનું અંતર સતત વધતું રહે છે.

ભારતનો આર્થિક વિકાસ દર વધી રહ્યો હોય પરંતુ એની સાથે સાથે આર્થિક અસમાનતા પણ વધી રહી હોય તો તે ચિંતાનો વિષય બની રહે છે. આર્થિક અને સંપત્તિની અસમાનતાને પરિણામે સમાજમાં અશાંતિનું પ્રમાણ વધતું જાય છે. ભારતની આર્થિક અસમાનતાનું બિહામણું ચિત્ર ઉપસી રહ્યું છે. તેને રોકવા માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ પગલાંઓ લેવાની તાતી જરૂર છે.
નવસારી  -ડૉ. જે. એમ. નાયક           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top