Columns

ભગવાનને ઓછું શું કામ આપું

દ્વારકાધીશ મંદિરના એક પગથિયા પર વર્ષોથી એક અંધ ભિક્ષુક પોતાની ચાદર અને થાળી મૂકીને બેસતો અને ભગવાનનું નામ લેતો રહેતો. તે પોતે ક્યારેય કોઈ પાસે કંઈ માંગતો નહિ પણ આવતાં જતાં શ્રદ્ધાળુ ભક્તો તેની થાળીમાં જે પૈસા મૂકતા તે પોતે હાથથી ટટોળી થાળી નીચે મૂકતો. જે મળતું તેમાં બે ટંક પેટ ભરી લેતો, ક્યારેક ભગવાનનો પ્રસાદ ખાઈને ચલાવી લેતો અને નજીકની મીઠાઈની દુકાનના ઓટલે સૂઈ રહેતો. એક દિવસ તેણે પોતાની આજુબાજુ બહુ વધારે લોકોની અવરજવરની આહટ અનુભવી, તેણે પૂછ્યું, ‘‘આ શું થઈ રહ્યું છે?’’ એક યુવકે કહ્યું, ‘‘અમે બધા મળીને ભગવાનનો છપ્પનભોગ અન્નકૂટ કરવા માટે ભેટ ભેગી કરી રહ્યાં છીએ.’’ અંધ ભિક્ષુકે યુવાનને કહ્યું, ‘‘એક મિનીટ ઊભા રહેજો.મારું એક કામ કરજો.’’

યુવાનને થયું, અંધ ભિક્ષુક પોતાને માટે પૈસા માંગશે. તે કૈંક બોલવા જતો હતો ત્યાં અંધ ભિક્ષુકે પોતાની થાળી નીચેથી જેટલા સિક્કાઓ હતા તે મુઠ્ઠીમાં લઇ પેલા યુવકને આપ્યા અને પછી નીચે પાથરેલી ચાદરની ગડીમાંથી ત્રણ સો સોની નોટ કાઢી અને યુવકના હાથમાં આપી કહ્યું, ‘‘ભાઈ આ મારા તરફથી પ્રભુના અન્નકૂટ માટે ભેટ સ્વીકારજો અને પ્રસાદ ચોક્કસ આપી જજો.’’ યુવક ભિક્ષુકની સામે જોતો જ રહ્યો. તેણે વિચાર્યું કે જેની પાસે બહુ પૈસા હોય છે તેમની પાસેથી અનુદાન મેળવવામાં કેટલી વિનંતી કરવી પડે છે અને મને એમ કે આ ભિક્ષુક પૈસા માંગશે પણ તેણે તો માંગ્યા વિના પોતાની પાસે હતા એટલા બધા પૈસા ભેટમાં આપી દીધા. યુવકે બાબા પાસે બેસીને ધીમેથી કહ્યું, ‘‘બાબા,મને લાગે છે કે તમે બધા પૈસા આપી દીધા છે. હું કહું છું કે થોડા આપો અને થોડા આવતી કાલ માટે રહેવા દો. તમને કાલે કામ લાગશે.’’

અંધ ભિક્ષુકે ઉપર આકાશ તરફ હાથ જોડીને કહ્યું, ‘‘ભાઈ, તારો ખૂબ ખૂબ આભાર કે તારી મદદથી હું જેણે મને આપ્યું છે તેને જ અર્પણ કરી રહ્યો છું. આજ સુધી જેણે માંગ્યા વિના આપ્યું છે તે કાલે પણ આપશે કારણ મારો દ્વારકાવાળો બહુ કૃપાળુ છે. મને વિશ્વાસ છે કે મારી આવતી કાલનું ધ્યાન રાખવા માટે મારો કાળિયો ઠાકર બેઠો છે.  તો હું આવતી કાલની ચિંતા કરીને મારા ભગવાનને ઓછું શું કામ આપું? જે બેહિસાબ આપે છે તેને આપવામાં હિસાબ શું કરવો.’’આમ કહી ભિક્ષુક હરિનામની ધૂનમાં મસ્ત થઈ ગયા અને યુવાન ભિક્ષુકની દિલેરી, અનન્ય શ્રધ્ધાને નમન કરી આગળ વધ્યો.

Most Popular

To Top