Comments

ટ્રમ્પની જ ભેંસે એના ગળામાં શિંગડાં ભેરવ્યાં છે

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા એ વાતને વરસ પૂરું થશે. ભારત સહિત સમગ્ર વિશ્વ માટે આ એક વર્ષ દુ:સ્વપ્ન જેવું રહ્યું છે. ભારતમાંથી અમેરિકાથી થતી આયાત ઉ૫૨ ૨૫ ટકા રેસીપ્રોકલ અને ભારતને રશિયા પાસેથી ક્રુડ ઑઇલ ખરીદવાની સજા તરીકે ૨૫ ટકા એમ પચાસ ટકા ટેરિફ ટ્રમ્પે ભારત પર લાદ્યો, જેને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને સહન કરવું પડ્યું. એચ-૧-બી વિઝા ઉપર અકલ્પ્ય નિયંત્રણો મૂકવાની વાત કરીને ભારતીયોને દોડતાં કરી દીધાં. ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વિશ્વભરમાં ટ્રેડ વૉરની સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે તાજેતરમાં જે.પી. મોર્ગનના અહેવાલે ચેતવણી આપી છે, જે મુજબ અમેરિકન અર્થતંત્રને હવે ટ્રમ્પની આડેધડ નીતિઓનો ભાર લાગવા માંડ્યો છે.

તે સામે લાલબત્તી ધરતાં વિશ્વના અગ્રણી ઇન્વેસ્ટર બેન્કરોમાંના એક જે.પી. મોર્ગન આ અહેવાલ થકી એવી અમંગળ આગાહી કરે છે કે, જો અમેરિકા હજુ પણ નહીં સુધરે અને પોતાની નીતિઓનો ગંભીરતાથી અભ્યાસ નહીં કરે તો અમેરિકા પણ યુરોપ જેવી મંદીમાં સપડાશે. જે.પી. મોર્ગન જેવા અનુભવી અને વ્યાપક વૈશ્વિક હાજરી ધરાવતા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર પાસેથી જ્યારે આ પ્રકારની ચેતવણી ઉચ્ચારવામાં આવી હોય ત્યારે એનાં કારણોમાં ગંભીરતાથી જોવું જોઈએ. જે.પી. મોર્ગનનું માનવું એવું છે કે અમેરિકન અર્થતંત્ર હજુય ‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ’છે.

યોગ્ય માવજત કરવામાં આવે તો એને દોડતું કરી શકાય એવી શક્યતાઓ નકારી શકાય નહીં. સાથોસાથ એ પણ હકીકત છે કે કેટલાંક ક્ષેત્રો વિકાસની ધીમી ગતિ અનુભવવા માંડ્યાં છે. અમેરિકન અર્થતંત્ર પર દૂરબીન માંડીને બેઠેલા વિશ્લેષકોનું એવું માનવું છે કે, ટેરિફ વધવાને કારણે સ્થાનિક બજારમાં જે શરૂઆતની મોંઘવારી અનુભવાય છે તેના કારણે ગ્રાહકનો ખર્ચ વધ્યો છે. જો કે ધીમે ધીમે અમેરિકન બજાર આ આંચકો પચાવતું જાય છે અને ધીમા દરે મોંઘવારી પણ ઘટી રહી છે. આને કારણે ભલે ફેડરલ રિઝર્વની નીતિમાં તાત્કાલિક ફેરફાર ના આવે તો પણ ધીમે ધીમે વ્યાજદરો ઘટે અને અન્ય કેટલાક માળખાકીય સુધારાઓ પણ આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

આમ છતાંય ‘આયર્ન ફોર લોંગર’ એટલે કે લાંબા ગાળાનાં રોકાણ માટે આકર્ષક વ્યાજદર હોય એવી સ્થિતિ, ભૂ-રાજકીય અનિશ્ચિતતા અને ક્રેડીટની કડક શરતો જેવાં જોખમો પણ ગણતરીમાં લેવાં પડશે. જે.પી. મોર્ગનના અહેવાલમાં વ્યક્ત થયેલો આ ‘સાવચેતીપૂર્વકનો આશાવાદ’ દર્શાવે છે કે, અમેરિકન બજાર તેમજ કોર્પોરેટની નફો કરવાની શક્તિ માન્ય રાખો તો પણ જો નાણાં ઉધાર લેવાનો ખર્ચ ઊંચો રહેશે તો આગામી ત્રૈમાસિકી ગાળામાં અમેરિકન અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર ધીમો પડી શકે છે.  આ સંદર્ભે જે.પી. મોર્ગન અમેરિકન અર્થતંત્રના ૨૦૨૫ના અભ્યાસ પરથી એવું માને છે કે અગાઉના નાણાંકીય વર્ષની સરખામણીમાં આ વર્ષનો વૃદ્ધિદર ઘટેલો રહેશે. મોંઘવારી એટલે કે, કંઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્ષ ધીમે ધીમે ઘટતું જાય પરંતુ એને બે ટકા તથા અને નીચેના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે સમય લાગશે. ટ્રમ્પ ગમે તેટલી રાડારાડી કરે ફેડરલ રિઝર્વ તાત્કાલિક અસરથી વ્યાજદર ઘટાડી શકશે નહીં. શક્ય છે કે ૨૦૨૫ના કેલેન્ડર વર્ષના અંત અથવા ૨૦૨૬ની શરૂઆતના ગાળામાં વ્યાજદરના ઘટાડાની શરૂઆત થાય પરંતુ એ ઘટાડો ધીમો જ રહેશે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જંગી ટેરિફ વૉર છેડીને લગભગ આખી દુનિયાના અર્થતંત્રને હચમચાવી નાખ્યા છે, એટલું જ નહીં પણ ભારત, જાપાન અને ચીન જેવા દેશો સામે તો ટેરિફ વૉર આગળ વધીને ટ્રેડવૉરની સ્થિતિ તરફ જઈ રહ્યું હોય તેવું લાગે છે. જે.પી. મોર્ગનના સીઈઓ જેમી ડીમન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો અમેરિકા તેની વ્યાપારનીતિ નહીં સુધારે અને વ્યાપાર વિરોધી વલણ ચાલુ રાખશે તો યુરોપની માફક અમેરિકા પણ આર્થિક મંદીમાં સપડાઈ શકે છે. જો કે લગભગ આ અહેવાલ આવ્યો એની સમાંતરે ડોનાલ્ડ ટ્રમ્પનાં વલણ અને ઉચ્ચારણોમાં ફેરફાર આવ્યો છે. એટલે લાગે છે કે અમેરિકા એની વ્યાપારનીતિ સુધારી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top