સુરત: ઇલેકશન પછી ફરીવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને બેકાબુ બન્યો છે. શહેરમાં અને જિલ્લામાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે વાલી (Parents) મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરીને શાળાઓ (School) બંધ કરાવવા માટેની માંગણી કરવામાં આવી હતી. વાલી મંડળના ઉમેશ પંચાલએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો વધ્યા છે. ખાસ કરીને બાળકોમાં કોરોનાના કેસો વધ્યા છે, સ્કૂલો શરૂ કરવામાં આવી છે પરંતુ અહીં નાના બાળકોને કોરોના સંક્રમણ થવાની શક્યતા વધુ છે અને જો બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો તો તેઓના આરોગ્ય ઉપર ગંભીર અસર પડશે. બાળકોમાં જીવ હશે તો જ તેઓ સારા ભવિષ્યનું નિર્માણ કરી શકશે. વાલી મંડળ દ્વારા મોટાભાગના વાલીઓની મીટીંગ કરીને જ્યાં સુધી કોરોનાના કેસો ઘટે નહીં ત્યાં સુધી શાળાઓ બંધ કરાવવા માટે માંગણી કરવામાં આવી હતી. આ બાબતે રાજ્ય સરકારને પણ જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
શહેરમાં ફરી કોરોના વિસ્ફોટ, જાણો કયા વિસ્તારોમાં વધુ સંક્રમણ
(Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં જુન-જુલાઈ માસમાં જે કોરોનાનો કહેર હતો તેવી જ પરિસ્થતિ ફરીવાર ઉદભવી રહી છે. દિવાળી બાદથી બિલકુલ કાબુમાં આવી ચુકેલા સંક્રમણમાં ફરીવાર ઉછાળો થતા તંત્રની દોડધામ વધી છે. શુક્રવારે શહેરમાં નવા 183 પોઝિટિવ દર્દી (Patient) નોંધાવાની સાથે કુલ આંક 42,071 પર પહોંચ્યો છે અને શહેરમાં વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 851 પર પહોંચ્યો છે. શહેરમાં વધુ 102 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 40,382 દર્દીઓ સાજા (Recover) થયા છે અને રીકવરી રેટ ઘટીને 95.99 ટકા પર પહોંચ્યો છે.
કુલ કેસના 50 ટકા કેસ રાંદેર અને અઠવા ઝોનમાં, શહેરીજનોને સાવચેતી રાખવા મનપા કમિશનરની અપીલ
શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેથી મનપા કમિશનરે શહેરીજનોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. મનપા કમિશનરે વધુમાં જણાવ્યું છે કે, શહેરમાં અત્યારસુધીમાં 5 યુ.કે અને 1 સાઉથ આફ્રીકન સ્ટ્રેઈન વાયરસના કેસ મળી આવ્યા છે. નવા સ્ટ્રેઈન ઝડપથી ફેલાતા હોય, શહેરીજનો વધુ સાવચેતી રાખે તે જરૂરી છે, તેમજ શહેરમાં કુલ કેસના 50 ટકા કેસ અઠવા અને રાંદેર ઝોનમાં આવી રહ્યા છે. સાથે સાથે ઉધના, વરાછા-એ તેમજ લિંબાયત ઝોનમાં પોઝિટિવીટી રેટ વધી રહ્યો છે. જેથી શહેરીજનો કોવિડ ગાઈડલાઈનનું સખતપણે પાલન કરે તે જરૂરી છે.