Sports

શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટમાંથી બહાર, ઋષભ પંત કેપ્ટન

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા ટેસ્ટમાં ઈજાગ્રસ્ત કેપ્ટન શુભમન ગિલ હવે ગુવાહાટીમાં રમાનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે (21 નવેમ્બર) આ અંગે પોસ્ટ કરી.

નોંધનીય છે કે કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ગિલને ગરદનમાં જકડાઈ ગઈ હતી. મેચ પછી તરત જ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને રાતભર તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે તેને રજા આપવામાં આવી હતી.

ગિલ 19 નવેમ્બર, 2025ના રોજ ટીમ સાથે ગુવાહાટી પહોંચ્યો હતો પરંતુ સંપૂર્ણ ફિટનેસના અભાવે તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે તેને તેની ઈજાના વધુ ટેસ્ટ માટે મુંબઈ મોકલવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાની કમાન હવે રિષભ પંત સંભાળશે, જે બીજી ટેસ્ટમાં ગિલનું સ્થાન લેશે. પંત પાસે શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે.

ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ફટકો છે. કારણ કે ગિલે છેલ્લા કેટલાક મહિનાઓમાં કેપ્ટન તરીકે ઉત્તમ સંયમ અને પ્રદર્શન દર્શાવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે પંત આ પડકારનો કેવી રીતે સામનો કરે છે.

ગિલ પહેલી ટેસ્ટમાં થયેલી ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શક્યો ન હતો, જેના કારણે ટીમ મેનેજમેન્ટે તેને આરામ આપ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાએ ગુવાહાટી ટેસ્ટમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવું પડશે.

પંત ભારતનો 38મો ટેસ્ટ કેપ્ટન બનશે
આગામી તા. 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાનારી ટેસ્ટ મેચ ઋષભ પંત માટે ઐતિહાસિક બની ગઈ છે. તે હવે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો 38મો કેપ્ટન બનશે. શુભમન ગિલને પહેલી વાર 24 મે, 2025 ના રોજ રોહિત શર્માના સ્થાને ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો હતો. તે ઇંગ્લેન્ડમાં શ્રેણી માટે કેપ્ટન હતા.

Most Popular

To Top