SURAT

સુરતની આ 7 ખાનગી શાળાઓને 10-10 હજારનો દંડ, જાણો કારણ..

સુરત: શિક્ષણ વિભાગ મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને સમાન શિક્ષણ, સમાન સુવિધા અને સમાન વર્તણૂક આપવી કાયદેસર ફરજ છે. શાળાઓ દ્વારા કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવો કડક રીતે દંડનીય છે. ત્યારે સુરત શહેરમાં 7 ખાનગી શાળાના સંચાલકોની સંકોચિત માનસિકતા સામે આવી છે. આર.ટી.ઈ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અલગ ક્લાસ રૂમમાં બેસાડતા હોવાની સીએમ પોર્ટલ પર ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને 10-10 હજારનો દંડ ફટકાર્યો છે.

  • મુખ્ય મંત્રી જન સંવાદ પોર્ટલ ઉપર ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણાધિકારીની તાત્કાલિક કાર્યવાહી
  • આર.ટી.ઈ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અલગ ક્લાસ રૂમમાં બેસાડવામાં આવતા હતા

મુખ્યમંત્રી જન સંવાદ પોર્ટલ પર મળેલી ગંભીર ફરિયાદોના આધારે સુરતની સાત ખાનગી શાળાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ફરિયાદોમાં જણાવાયું હતું કે આરટીઈ હેઠળ મફત પ્રવેશ મેળવનાર ગરીબ બાળકોને અલગ ક્લાસરૂમમાં બેસાડવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને અન્ય બાળકોની સરખામણીએ અલગ ક્લાસરૂમમાં બેસાડવામાં આવતાં હોવાની સાથે જ્ઞાનગંગા સ્કૂલ (વેડરોડ) માં તેઓને શાળાની જ સ્ટેશનરી અને ગણવેશ ફરજીયાત ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હતું.

ફરિયાદોને ગંભીરતાથી લેતા ગાંધીનગરથી સીધી સૂચનાઓ બાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તમામ શાળાઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. તપાસ રિપોર્ટમાં અનિયમિતતાઓ અને ભેદભાવની પ્રાથમિક પુષ્ટિ થતા આજે તમામ સાત શાળાઓને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી છે.

ઉપરાંત દરેક શાળાને રૂ. 10,000 નો દંડ એક જ દિવસની અંદર ભરવા આદેશ આપવામાં આવ્યો છે. જો આ દંડની રકમ સમયમર્યાદામાં જમા કરવામાં નહીં આવે તો સંબંધિત શાળાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેવી જિલ્લા શિક્ષણ વિભાગે ચેતવણી આપી છે.

ગરીબ અને અમીર બાળકો વચ્ચેનો ભેદભાવ દૂર કરવાના હેતુની અવગણના
આરટીઈનો મુખ્ય હેતુ એ છે કે, દરેક બાળકને સમાન શૈક્ષણિક પરિસ્થિતિ મળે, ગરીબી કે સામાજિક પરિસ્થિતિ શિક્ષણ મેળવવાનો અવરોધ ન બને અને ખાનગી શાળાઓમાં ગરીબ અને ધનિક બાળકો સાથે ભેગા અભ્યાસ કરે જેથી ‘સમાજ’અને ‘સમાનતા’ની ભાવના વિકસે. પરંતુ સુરતની આ શાળાઓએ આ હેતુની અવગણના કરી છે.

બાળકોના મન પર આ ગંભીર અસરો પડી શકે

  • બાળકોના મનોબળ પર ગંભીર અને લાંબા ગાળાના પ્રભાવ પડી શકે છે.
  • તેઓમાં ‘હું અલગ છું, ઓછો છું’જેવી હીનભાવના વિકસે
  • સાથી વિદ્યાર્થીઓથી અલગ પાડવાથી આત્મવિશ્વાસ ઘટાડે,
  • સમૂહમાં મિશ્રણની તક ન મળવાથી સામાજિક વિકાસ અસરગ્રસ્ત થાય
  • શાળામાં ભેદભાવ મળ્યો હોવાનો અનુભવ તેમની શૈક્ષણિક પ્રગતિને નકારાત્મક રીતે પ્રભાવિત કરે

આ સાત શાળાઓને નોટિસ અને 10 હજારનો દંડ ફટકાર્યો

  1. બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલ, અલથાણ
  2. આશાદીપ વિદ્યાલય, સીમાડાનાકા નાના વરાછા
  3. એલ.પી.સવાણી એકેડમી
  4. માધવબાગ વિદ્યાભવન, અમરોલી
  5. જ્ઞાનગંગા વિદ્યાલય, વેડરોડ
  6. રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ, રૂંઢ મગગલ્લા
  7. સેવન ઇન્ટરનેશનલ સ્કૂલ, પાલનપોર

સમાનતા અને સંવેદનશીલતાને બદલે ભેદભાવ ભર્યું શિક્ષણ?
સુરતની સાત શાળાઓની ભેદભાવ નિતી શિક્ષણના મૂળ તત્ત્વોને પડકારે છે. શાળાઓનો આ વર્તાવ માત્ર ગેરરીતિ નહીં, માનસિકતાનો ખુલાસો આપે છે. શાળાઓની સંકુચિત અને અસંવેદનશીલ માનસિકતાનું ચિત્ર સ્પષ્ટ કરે છે. ગરીબ બાળકોને શૈક્ષણિક પ્રવાહથી અલગ રાખવાનો આ અભિગમ સંવિધાનિક મૂલ્યોને પડકારતો છે.

Most Popular

To Top