SURAT

પ્રેમિકા માટે પરિવાર છોડનારને પ્રેમિકાએ તરછોડી દીધો, આખરે 10 વર્ષ બાદ પરિવારે સાચવ્યો

સુરતઃ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. અડાજણમાં રહેતા પરિવારનો એક યુવક 10 વર્ષ પહેલાં પરિવાર અને સમાજ સ્વીકારશે નહીં તેવા ડરથી યુવતી સાથે પ્રેમલગ્ન કરવા ઘર છોડીને ગયો હતો. જે યુવકનું 10 વર્ષ બાદ પોલીસની મદદથી પરિવાર સાથે મિલન થયું છે.

  • પુત્ર વિના લાચાર બનેલાં માતા-પિતા પોલીસ પાસે ગયા, પોલીસે હિંમત આપી
  • એક મિસ્ડ કોલના આધારે પોલીસે યુવકને શોધી કાઢ્યો
  • પ્રેમિકાએ છોડી દેતાં એકલવાયું જીવન જીવતો હતો
  • યુવકને એક જ ડર હતો, મને કોઈ સ્વીકારશે નહીં
  • માતા-પિતાને જોયાં તો ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો
  • અડાજણમાં પ્રેમલગ્ન કરવા ઘર છોડનારા પુત્રનું પરિવાર સાથે મિલન

યુવતી તો લગ્ન વિના એક વર્ષમાં જ તેને છોડી ગઈ હતી. માતા–પિતાની નાદુરસ્ત તબિયત અને મોબાઇલ પર આવેલા એક મિસ્ડ કોલના આધારે અડાજણ પોલીસની ટીમે ટેક્નિકલી યુવકનું લોકેશન શોધી તેને પરિવારનું મહત્ત્વ સમજાવ્યું અને કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.

અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.જોગરાણા પાસે થોડા દિવસ પહેલાં અડાજણ વિસ્તારમાં રહેતા એક યુવકનાં માતા-પિતા આવ્યાં હતાં. સામાન્ય પરિવારમાંથી આવતા આધેડ વયનાં માતા-પિતાએ તેમનો પુત્ર 10 વર્ષ પહેલા ઘર છોડીને જતો રહ્યો હોય અને હાલ તે ક્યાં છે તેની કોઈ ભાળ મળતી ન હોવાની પીઆઈને સમગ્ર હકીકતો જણાવી હતી. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણાએ યુવકનાં માતા-પિતાને હિમ્મત આપી તેમની પાસેથી દરેક બાબતો જાણી હતી, જેમાં એક મિસ્ડ કોલ ખૂબ મહત્ત્વનો સાબિત થયો હતો.

વી.એ.જોગરાણાના માર્ગદશન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ સહિતની ટીમે 10 વર્ષ પહેલાં ઘર છોડીને જતા રહેલા અડાજણ વિસ્તારમાં રહેતા અખિલેશ મહેતા (નામ બદલ્યું છે)ને શોધી કાઢી તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. યુવકની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, અખિલેશ જેની સાથે લગ્ન કરવા ભાગ્યો હતો તેણે લગ્ન કરવાની ના પાડી દઈ તેની સાથે સંપર્ક તોડી નાંખ્યો હતો. જેથી તે કતારગામ વિસ્તારમાં રહી એક ખાનગી કંપનીમાં નોકરી કરી એકલો જીવવા લાગ્યો હતો. તેને માતા-પિતાની યાદ તો આવતી હતી, પણ સમાજ અને પરિવારના સભ્યો તેને સ્વીકારશે નહીં તેવો ભય સતત સતાવી રહ્યો હતો.

જો કે, પોલીસે તેને સમજાવ્યો હતો. અખિલેશે જ્યારે માતા અને પિતાને જોયાં ત્યારે તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગ્યો હતો. માતાને તાજેતરમાં જ એક નાની સર્જરી થઈ હોય તે જાણીને અખિલેશનું મન ભરાઈ આવ્યું હતું. જેથી તેણે ઘરના મોબાઈલ પર એક મિસ્ડ કોલ કર્યો હતો. આ દૃશ્યો જોઈ પોલીસ સ્ટેશનમાં પણ લાગણીભર્યા દૃશ્યો સર્જાયાં હતાં.

Most Popular

To Top