તરસાલી ભવ્ય દર્શનના 208 મકાનોના લોકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ :
સ્માર્ટ વીજ મીટર નાખવા દઈએ,ઉગ્ર આંદોલન કરવા રહીશોની ચીમકી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
તરસાલી બંસલ મોલની સામે ભવ્ય દર્શન સોસાયટીમાં એમજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે પહોંચતા સ્થાનિક લોકો સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી. જ્યાં કર્મચારીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં નહીં આવે તો વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ફરી એક વખત સ્માર્ટ વીજ મીટરનું ભૂત ફરી ધૂણ્યું છે. એમજીવીસીએલ દ્વારા જ્યારથી નવા સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વિરોધના વંટોળ ઊભા થયા હતા. બમણા બિલ આવતા હોવાની ફરિયાદ સાથે એમજીવીસીએલની કચેરીઓ ખાતે લોકોના મોરચા મંડાયા હતા. સ્માર્ટ 20 મીટર નાખવાની સામે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીને સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે ફરીવાર કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ 20 મીટર લગાવવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવતા વિસ્તારના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ત્યારે આજે શહેરના દક્ષિણ વિસ્તારમાં તરસાલી બંસલ મોલની સામે ભવ્ય દર્શન સોસાયટીમાં વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા. જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. કામગીરી અટકાવતા મીટર નાખવા આવેલા કર્મચારીઓએ રહીશોને જો વીજ મીટર લગાવવામાં નહીં આવે તો તમારું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ધમકી આપી હોવાના આક્ષેપ પણ સ્થાનિક લોકોએ કર્યા હતા. સ્થાનિક લોકોએ જો વીજ મીટર લગાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જાણ કર્યા વગર સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા :

અમને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા, અમારા મીટર બધાના સારા જ ચાલે છે. પછી સ્માર્ટ મીટર નાખવાની જરૂર જ નથી. અમે એનો વિરોધ કર્યો કે અમારે નથી નાખવામાં તો કહે છે ધમકી આપી કે નહીં નખાવો તો તમારું કનેક્શન કાપી નાખીશું. અમારા માણસોની ગેરહાજરીમાં આવું કહી જાય એ યોગ્ય નથી. કુલ 208 મકાનો છે. : મંજુલાબેન પારેખ,સ્થાનિક
અમારા જૂના મીટરો ચાલુ છે એ બરાબર છે :

અમારી સોસાયટીમાં એમજીવીસીએલના માણસો આવ્યા હતા. અમારે સ્માર્ટ મીટર નાખવાનો વિરોધ છે અમારે કોઈને આ સ્માર્ટ મીટર નાખવા દેવું નથી. અમારા જે જૂના મીટરો ચાલુ છે. એ બરાબર છે જીઈબીના માણસોનું કહેવું છે કે તમારે આ મીટર નાખવું જ પડશે નહીં તો આ કાપી અને અમારા સ્માર્ટ મીટર લાગી જશે. : પૃથ્વિસિંહ ચૌહાણ,સ્થાનિક