બિહારના ઈતિહાસમાં સૌથી વધુ 10 વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ નીતિશકુમાર કરશે. આજે નીતિશકુમાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને તેની સાથે સાથે ભાજપના બે આગેવાનો સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ બંને અગાઉ પણ નીતિશકુમારની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા હતા.
બિહારની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મેળવનાર પાર્ટી તરીકે પ્રસ્થાપિત થવા છતાં ભાજપે મુખ્યમંત્રીપદ જતું કર્યું છે અને ચાર સીટ ઓછી મેળવનાર જેડીયુના નીતિશકુમારને મુખ્યમંત્રી બનાવ્યા છે. મુખ્યમંત્રી તરીકે નીતિશકુમારની પસંદગી પાછળ ભાજપનું બલિદાન નથી પરંતુ ભાજપની મજબુરી છે. કેન્દ્રમાં ભાજપને નીતિશકુમારના જેડીયુના સાંસદોના ટેકાની જરૂર છે. સાથે સાથે ભાજપ પાસે બિહારમાં એટલી બેઠકો નથી કે તે બહુમતિથી સરકાર બનાવી શકે. સામે એવો ડર છે કે નીતિશકુમાર તેમની આદત પ્રમાણે જો વિપક્ષની પાસે પહોંચી જશે તો તેઓ સરકાર બનાવી લેશે.
જો બિહારના ચૂંટણી પરિણામો પર નજર કરવામાં આવે તો દેખીતું છે કે 243 બેઠકોમાંથી એનડીએને 202 બેઠકો મળી છે. જેમાંથી ભાજપને 89, જેડીયુને 85, એલજેપી (આર)ને 19, હમ પાર્ટીને 5 અને આરએલએમને 4 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધનને માત્ર 35 જ બેઠકો મળી છે. જનસુરાજ પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી. આંકડાઓ પ્રમાણે ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે પરંતુ ભાજપની એ સમસ્યા છે કે ભાજપ પાસે બિહારમાં કોઈ મોટો ચહેરો નથી. ભાજપ પાસે અગાઉ સુશીલકુમાર મોદીના નામે નેતા હતા.
સુશીલકુમાર ઓબીસી હોવાથી જ્ઞાતિના સમીકરણમાં પણ ફિટ બેસતા હતા. જોકે, હાલમાં સર્વમાન્ય નેતાની બિહારમાં ભાજપમાં કમી છે. જ્યાં સુધી મોટો નેતા નહીં મળે ત્યાં સુધી ભાજપ બિહારમાં એકલા હાથે સત્તા લેવા માટે તૈયાર નથી. જેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તેવા સમ્રાટ ચૌધરી પર અગાઉ અનેક આક્ષેપો થયા છે. ભાજપને આ પહેલેથી જ ખબર હતી. આ જ કારણે ભાજપે પહેલેથી જ મુખ્યમંત્રી તરીકે નીતિશકુમાર જ હશે તેવો પ્રચાર પણ કર્યો હતો. નીતિશકુમાર છેલ્લા કેટલાક સમયથી ચુપચાપ સરકારની કામગીરી પર જ ધ્યાન આપ્યું છે. સરવાળે એનડીએને બિહારમાં આ વખતે મોટી જીત મળી છે.
આ ઉપરાંત નીતિશકુમાર બિહારમાં કુર્મી, ઇબીસી અને મહાદલિત સમુદાયોના સૌથી અગ્રણી નેતા છે. જો નીતિશકુમારને મુખ્યમંત્રી બનાવવામાં નહીં આવે તો આ જ્ઞાતિના મતદારોમાં આક્રોશ વ્યાપે તેમ છે. જેને કારણે પણ ભાજપ જોખમ લેવા માટે તૈયાર નથી. ભારતમાં એવું છે કે, જે પક્ષ યુપી અને બિહારમાં સૌથી વધુ મજબુત હોય તેની કેન્દ્રમાં અવશ્ય સરકાર બને છે અને ગત લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ નવા જોખમો ઉભા કરવામાં માનતો નથી.
ભાજપની એવી પણ ગણતરી છે કે નીતિશકુમારની તબિયત જોતાં આગામી સમયમાં તેઓ રાજકારણથી દૂર થઈ શકે તેમ છે. જેડીયુમાં સેકન્ડ કેડરનો એવો કોઈજ નેતા નથી કે નીતિશકુમારની જગ્યા લઈ શકે. આવા સંજોગોમાં જેડીયુ તુટીને ભાજપ સાથે જોડાઈ જાય તેમ છે. જેથી ભાજપ ઉતાવળ કરવામાં માનતું નથી. જોકે, એક વાત ચોક્કસ છે કે ભાજપ શાંતિથી બેસી રહે તેમ નથી. જે દિવસે તેને એમ લાગશે કે નીતિશકુમારની હવે જરૂરત નથી ત્યારે તેઓ નીતિશકુમારની જગ્યાએ પોતાનો મુખ્યમંત્રી મુકી દેશે તે નક્કી છે.