હદવિસ્તારમાં સમાવિષ્ટ 7 ગ્રામ પંચાયતના કર્મચારીઓનો તા. 26-03-2025 થી VMCના પગાર ધોરણમાં કાયમી સમાવેશ; પગાર અને અન્ય લાભો મળતા પરિવારોમાં આનંદ.
વડોદરા:: મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિર્ણય બાદ વડોદરાની હદમાં સમાવવામાં આવેલી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા સફાઈ મિત્રોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા પાલિકાના જણાવ્યા મુજબ, ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઊંડેરા, કરોડીયા અને વડદલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કુલ 135 સફાઈ મિત્રોને તા. 26-03-2025ની અસરથી પાલિકાના સેનેટરી વિભાગમાં કાયમી નિમણૂક આપવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકામાં કાયમી સમાવેશ થતાં આ તમામ 135 સફાઈ કર્મચારીઓ અને તેઓના પરિવારમાં આ નિર્ણયને પગલે આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા અગાઉ ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઊંડેરા, કરોડીયા અને વડદલા ગ્રામ પંચાયતના વિસ્તારનો વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમાવેશ બાદ સંબંધિત ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સફાઈ મિત્રોના VMCમાં સમાવેશ અંગે વિધિવત ઠરાવ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ, વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ અંક: 141/તા. 26-03-2025થી આ સફાઈ મિત્રોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
મહાનગરપાલિકામાં સમાવેશ પામેલા ભાયલી, સેવાસી, બીલ, ઊંડેરા તથા કરોડીયા ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓને સામાન્ય સભાના ઉપરોક્ત ઠરાવ અન્વયે તેમને નિયત લાયકાત ધરાવતાં હોદ્દા મુજબ VMCની પગાર પર સમાવેશ કરવા મંજૂરી મળી છે.
આ કર્મચારીઓને હાલમાં પ્રવર્તમાન પગારપંચ મુજબ દર્શાવેલ પગાર ધોરણમાં મીનીમમ પગાર તથા મળવાપાત્ર લાભો આપવામાં આવશે.
ઉપરોક્ત ગ્રામ પંચાયતોમાં સફાઈ સેવકના હોદ્દા પર ફરજ બજાવતાં કુલ 135 કર્મચારીઓને રોજીંદારી સફાઈ સેવકમાં આપવામાં આવેલ નિમણૂકની જગ્યાએ, વિવિધ વોર્ડની સેનેટરી શાખામાં તા. 26-03-2025ની અસરથી કાયમી સફાઈ સેવક તરીકે અવેજી નિમણૂક આપવામાં આવી છે.
આ કર્મચારીઓની જન્મ તારીખ અંગે જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ, તા. 26-03-2025ના રોજનો આધાર લઈને તેમને વર્ગ-4 ના કર્મચારી તરીકે 60 વર્ષ પૂર્ણ થયે નિવૃત્ત કરવામાં આવશે. આ નિર્ણયથી સફાઈ મિત્રોની નોકરીની સુરક્ષા અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે.