સોનાની દાણચોરી બાદ હવે નશીલા પદાર્થોના સ્મગલરો માટે પણ સુરત એરપોર્ટ સેફ હેવન બની ગયું હોય તેમ લાગે છે. સોમવારે રાતે બેંગ્કોકથી સુરત આવતી ફ્લાઈટમાંથી એક પેસેન્જર અંદાજે દોઢ કરોડની કિંમતના હાઈબ્રિડ ગાંજા સાથે પકડાયો છે.
માહિતી અનુસાર સુરત એરપોર્ટ પર બેંગકોંકથી આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં IX-263 (સીટ 27C) ના પેસેન્જર જાફર અકબર ખાનને ડીસીબી કસ્ટમ્સ અને સીઆઈએસએફની ટીમે સંયુક્ત ઓપરેશનમાં પકડ્યો છે. જાફર પાસેથી 4.055 કિ.ગ્રામ હાઈડ્રોપોનિક વીડ (હાઈબ્રીજ ગાંજા)ના 8 પેકેટ મળ્યા છે, જેની કિંમત 1,41,92,500 થાય છે. મુદ્દામાલ કબ્જે લઈ આરોપી પેસેન્જરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે.
લેડીઝ પર્સમાં ગાજો છુપાવ્યો હતો
સૂત્રોએ કહ્યું કે, બાતમીના આધારે મૂળ મુંબના ઝફર ખાનના સામાનની તપાસ કરાઈ હતી. તેની બેગમાં કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાંથી અલગ અલગ છુપાવેલા ગાંજાના પેકેટ મળી આવ્યા હતા.