સુરત: દક્ષિણ ગુજરાતમાં હાલ શિયાળાનું મોસમ બરાબર જામી ગયું છે. સુરત સહિત વિસ્તારોમાં થરથરાટી છૂટી જાય એવું ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉત્તર દિશાથી ફરી રહેલા બરફિલ્લા પવનોના કારણે શિયાળામાં વધારે વધારો નોંધાયો છે. જોકે, આ દરમિયાન હવામાન વિભાગ તરફથી બદલાતા મિજાજની આગાહી થતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ચિંતાનું મોજુ ફેલાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 18 થી 20 નવેમ્બર દરમિયાન તાપમાનમાં થોડો વધારો જોવા મળશે. હાલ પૂરતું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે, જેથી શિયાળાની ગતિ થોડી ધીમી પડી શકે છે. 19 નવેમ્બર આસપાસ આરબ સાગરમાં લો પ્રેશર ઝોન રચાવાનું અનુમાન છે.
24 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અથવા ચક્રવાત ઊભું થવાની શક્યતા છે. આ બંને હવામાન સિસ્ટમ્સના કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પ્રભાવ રૂપે નવેમ્બરના અંત ભાગમાં ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા નકારી શકાય નહીં.
ડિસેમ્બર માસના પ્રારંભમાં ઠંડા પવનોના કારણે થરાશ વધશે. 22 ડિસેમ્બર પછી “હાડ થીજવતી” ઠંડી અનુભવાશે. જાન્યુઆરી દરમ્યાન લા-નીનો પ્રભાવ સર્જાતો હોય એવું અનુમાન, જેના કારણે આ વર્ષે ઠંડી વધારે તીવ્ર રહેવાની સંભાવના છે. સુરત શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામાં 34 ટકા ભેજ નોંધાયો છે.