એક ઝેન ગુરુ પાસે તેમના મિત્રનો દીકરો મળવા આવ્યો. ઝેન ગુરુને નમન કરી તેણે કહ્યું, ‘‘ગુરુજી, મારા પિતાએ કહ્યું હતું કે જીવનમાં જયારે મૂંઝાય ત્યારે મારા મિત્ર પાસે જજે. એટલે આજે હું તમારી પાસે આવ્યો છું.’’ ઝેન ગુરુએ કહ્યું, ‘‘યુવાન, શું મૂંઝવણ છે?’’ યુવાને કહ્યું, ‘‘ગુરુજી, મારે જીવનમાં બધું જ મેળવવું છે …બધું જ જીતવું છે ..બધાથી આગળ રહેવું છે …દરેક ક્ષેત્રમાં સફળ થવું છે તો આ બધું મેળવવા હું શું કરું? તમે કહેશો તેટલી મહેનત કરવા તૈયાર છું.
મારે હંમેશા આગળ રહેવું છે ,જીતવું છે અને ક્યારેય કોઈનાથી હારવું નથી એટલે તમે મને બધે જ જીતી જાઉં અને મને કોઈ હરાવી ન શકે અને કોઈ મારાથી આગળ ન વધી શકે તેવો કોઈ કસબ શીખવાડો.’’ ઝેન ગુરુ હસ્યા અને બોલ્યા, ‘‘આ તો કોઈ મૂંઝવણ છે જ નહિ. મારી પાસે છે એક રસ્તો જે તને બધી જ સ્પર્ધામાં જીતાડી દેશે. તું જ વિજેતા બનીશ.’’ યુવાન તો ખુશીથી નાચી ઊઠ્યો અને તરત બોલ્યો, ‘‘ગુરુજી, મને જલ્દી તે રસ્તો કહો, જે મને વિજેતા બનાવે. હું તમે જે કહેશો તે બધું જ કરવા તૈયાર છું. મને જલ્દી બધાથી આગળ રહી જીતી કઈ રીતે જવાય તે રસ્તો જણાવો.’’
ઝેન ગુરુ થોડી વાર મૌન રહ્યા. કંઈ ન બોલ્યા…પેલા યુવાનમાં ધીરજ ન હતી. તેણે ફરી કહ્યું, ‘‘ગુરુજી, મને બધે જ વિજેતા બનવાનો માર્ગ કહો…જલ્દી કહો, તમે જે કહેશો તે કરવા હું તૈયાર છું.’’ ઝેન ગુરુ બોલ્યા, ‘‘બરાબર વિચારી લે. હું જે કહીશ તે કરીશ ને ….’’યુવાને સામે પૂછ્યું, ‘‘હું તમે કહેશો તે કરીશ તો ચોક્કસ વિજેતા બનીશ ને?’’ ઝેન ગુરુ હસ્યા અને બોલ્યા, ‘‘હા, હા, ચોક્કસ…’’યુવાન બોલ્યો, ‘‘મને જલ્દી કહો, મારે શું કરવાનું છે અને મને વિજેતા બનવાનો રસ્તો જણાવો.’’
ઝેન ગુરુએ કહ્યું, ‘‘તું આજથી જ ,અત્યારથી જ, આ ક્ષણથી કોઈની પણ સાથે …કોઈ પણ સ્પર્ધામાં ઊતરવાનું છોડી દે…જીવનમાં જીતવા માટે બધું મેળવવા માટે દોડવાનું છોડી દે…જે ક્ષણે તું સ્પર્ધામાં દોડવાનું છોડીશ તે ક્ષણે તું જીવન સ્પર્ધા જીતી જઈશ.’’ યુવાન બે ઘડી તેમની સામે જોઈ રહ્યો. ઝેન ગુરુ ફરી બોલ્યા, ‘‘યુવાન, જીવનમાં જે દિવસે તું દોડતો અટકીશ તે દિવસે તું જીતી જઈશ.જીવન કોઇથી આગળ વધવા માટેની સ્પર્ધા નથી પણ પોતાની રીતે આનંદથી જીવવાની મોજ છે તે તું સમજી લે અને જે દિવસથી પોતાની મોજમાં જીવીશ તે દિવસથી તું જીવન વિજેતા છે.’’ગુરુએ યુવાનને ઊંડી સમજ આપી તેની આંખો ખોલી નાખી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.