National

સાઉદી અરેબિયામાં બસ–ટેંકર અકસ્માતમાં 42 ભારતીય યાત્રાળુઓના મોત

સાઉદી અરેબિયામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતે હૈદરાબાદના અનેક મુસાફરોના જીવ લઈ લીધા છે. મક્કાથી મદીના જતી બસ એક ડીઝલ ટેન્કર સાથે અથડાતાં 42 લોકોનાં મોત થયાની માહિતી મળી છે. ઘટનાએ સમગ્ર તેલંગાણામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સાઉદી અરેબિયામાં મક્કાથી મદીના જઈ રહેલી એક પેસેન્જર બસ ભયાનક અકસ્માતનો ભોગ બની. માહિતી મુજબ મુસાફરોથી ભરેલી આ બસ મુફરરીહાટ વિસ્તારમાં ડીઝલ ટેન્કર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અથડામણ એટલી વિકરાળ હતી કે બસમાં બેઠેલા ઘણા યાત્રાળુઓને ઘટનાસ્થળે જ જાન ગુમાવવી હતી. અહેવાલો મુજબ મૃત્યુ પામનારાઓમાં હૈદરાબાદના 42 ઉમરાહ યાત્રાળુઓનો સમાવેશ થાય છે.

અકસ્માત બાદ સાઉદી અરેબિયાની ઇમરજન્સી ટીમો અને સ્થાનિક રેસ્ક્યૂ દળોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી. ઘાયલ મુસાફરોને નજીકના હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહોને ઓળખવાની પ્રક્રિયા ચાલી રહી છે. સૂત્રો જણાવે છે કે ટેન્કરની વધુ સ્પીડ અને રસ્તાની પરિસ્થિતિઓ અકસ્માતનું કારણ બની શકે છે. જોકે સત્તાવાર કારણોની તપાસ ચાલી રહી છે.

આ ઘટનાને લઈને તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃત્યુ પામનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને તાત્કાલિક તમામ વિગતો મેળવી કાર્યવાહી કરવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે રાજ્ય સરકાર સાઉદી અરેબિયામાં સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે અને તમામ સહાયતા પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.

આ ઘટનાએ હૈદરાબાદમાં શોક વ્યાપી ગયો છે. અનેક પરિવારો પોતાના સ્વજનોના સમાચારની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં અને વિદેશમાં વસતા હૈદરાબાદી સમુદાયે આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે.

Most Popular

To Top