Charchapatra

આતંકીઓની ખતરનાક યોજના

ગાંધીનગર નજીકથી જે આતંકવાદીઓ પકડાયા તેમના ઈરાદાઓ અત્યંત  ખતરનાક કહી શકાય એ પ્રકારના હતા. આતંકીઓ પકડાયા પછી રાઈઝિન નામના ઝેરની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ પોઈઝન અત્યંત જોખમી ગણાય છે. આ ઝેર શરીરમાં જાય એટલે માણસના લીવર, કિડની અને આંતરડાને ખતમ કરી નાખે છે, જેને પરિણામે માણસ મોતના મુખમાં ધકેલાઈ જાય છે. ભારતની પ્રજાના સદનસીબે આતંકીઓના ખૂબ જ મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. છતાં આપણે ગાફેલ રહીએ તે બિલકુલ ચાલી શકે એમ નથી.

આતંકવાદને રોકવો એ આપણા દેશની મોટામાં મોટી સમસ્યા બની ગઈ છે. તાજેતરના હુમલા પછી આતંકીઓના અલગ મોડેલની વાત થઈ રહી છે. સામાન્ય પ્રજાને આવા મોડ્યુલની વાતમાં બિલકુલ રસ નથી. આતંકીઓને આપણા દેશમાં કોઈને કોઈ કારણસર મોકળું મેદાન મળી રહે છે જેને પરિણામે એઓ એમના નાપાક ઇરાદાઓને પાર પાડવામાં સફળ થઈ રહ્યા છે. હુમલા થયા પછી આતંકવાદીઓ મરાય છે પરંતુ આતંકવાદ મરતો નથી એ આપણે ખાસ ધ્યાનમાં રાખીને ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. આતંકીઓ સમયાંતરે આપણને પડકાર આપી રહ્યા છે અને એ રીતે એઓ હુમલા કરતા રહે છે. આતંકી નેટવર્કનો સફાયો કરવાની વાત સહેલી નથી છતાં એ પડકારને ઝીલી લીધા વિના છૂટકો પણ નથી.
નવસારી  – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top