Vadodara

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે : સસ્તામાં ગોલ્ડ અપાવવાનું કહીને ઠગે રૂ.43.46 લાખ પડાવ્યા

વડોદરા તા.16
હરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક તથા તેના મિત્ર તેમજ સગા સંબંધીઓને સસ્તામાં ગોલ્ડ અપાવવાનું કહીને ઠગે રૂપિયા 43.46 લાખ પડાવી લીધા હતા. પરંતુ આ ઠગે કોઈ ગોલ્ડ અપાવ્યુ ન હતું. જેથી યુવકે ચૂકવેલા રૂપિયા પરત માંગતા માત્ર રૂ. 12 લાખ જ પરત કર્યા છે, જ્યારે બાકીના 31.46 લાખ આજ દિન સુધી આપ્યા નથી કે ગોલ્ડ પણ નહીં અપાવતા યુવકે તેના વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં સત્યમ નિર્વાણા સોસાયટીમાં રહેતા શિવમ રાજેન્દ્ર ટોકરકર આર્ચર ટ્રાન્સનેશનલ સીસ્ટમ પ્રા.લિ. એલેમ્બીક બિઝનેશ પાર્ક, સાઉથ વેસ્ટ ગોરવા ખાતે ઓપરેશન વિભાગમાં છેલ્લા પાંચેક વર્ષથી નોકરી કરે છે. તેમની ઓફીસમા જીતેન્દ્રસિંહ માનકસિંહ રાજપુરોહિત (રહે. વાસણા ભાયલી રોડ વડોદરા મુળ મુંબઈ) ટીમ લીડર હતા. જેથી છેલ્લા બે વર્ષથી ઓળખતા હોય એક વર્ષ પહેલા ઓફીસ ખાતે મળ્યા હતા ત્યારે કહ્યું હતું કે કોઈ ચીજવસ્તુ જેવી કે એસી, ટીવી, મોબાઇલ, લેપટોપ, ગોલ્ડ (સોનુ) તથા અન્ય હોમ અપ્લાયાન્સ જેવી વસ્તુ ખરીદવી હોય માર્કેટ ભાવ કરતા સસ્તી કિંમતમાં અપાવીશ.રૂપિયા આપ્યાના દસથી પંદર દીવસમાં તમને આ ચીજવસ્તુ મળશે તેવી વાત જીતેન્દ્રસિંહ રાજપુરોહિત કરતા તેમના પર વિશ્વાસ આવી ગયો હતો.
તેમને યુવક તથા મિત્રો તેમજ સગાઓના ઘણા બધાં ઓર્ડર આપ્યા હતા.જે ચિજવસ્તુ ખરીદવાની હોય તેના પૈસા યુવક એડવાન્સમા કેશ અથવા તેમના બેંકમાં ટ્રાન્સફર કરી આપતો હતો. શરૂઆતમાં ચીજવસ્તુ જીતેન્દ્રસિંહ રાજપુરોહિત દસથી પંદર દિવસમાં આપતો હતો અને જો ઓર્ડર મુજબની ચીજવસ્તુ ન મળે તો તેને આપેલી મૂળ કિંમત જેટલી રકમ જે તે ઓર્ડર આપનાર વ્યક્તિના ખાતામાં પરત આપી જીતેન્દ્રસિંય રાજપુરોહિતે બધાને વિશ્ર્વાસમાં લીધા હતા.

ફેબ્રુઆરી 2025મા જીતેન્દ્રસિંહ રાજપુરોહિતે તેમને ઓફીસે ગોલ્ડ (સોનુ) ખરીદવાની સ્કિમની વાત કરી હતી. જેમાં જેટલું સોનુ જોઈતું હોય તેના પૈસા તેને એડવાન્સમાં આપવાનું જણાવતા યુવકે પોતે અને તેના મિત્ર સર્કલના મળી આશરે 20 તોલા સોનુ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો અને જીતેન્દ્રસિંહને યુવકે છુટક છૂટક ઓફીસે અને તેઓના ઘરે જઈ રોકડા રૂપિયા ઓનલાઇન ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેમને ગણદેવીકર જવેલર્સ રાવપુરા ખાતેથી તથા વલસાડ ખાતે આવેલી રજવાડી જવેલર્સની દુકાનેથી છુટક છુટક મળી આશરે 20 તોલા સોનાના કોઇનની ખરીદી કરી હતી.
જીતેન્દ્રસિંહે તમામ લોકોને વિશ્વાસમાં લઈ માર્કેટ ભાવ કરતા સસ્તા ભાવે સોનુ ખરીદી કરી અપાવવા કહ્યું હતું જેથી તેઓને 21 માર્ચના રોજ રૂ. 6.46 લાખ ગોલ્ડ ખરીદવા માટે આપ્યા હતા. જેમાથી રૂ. 3.23 લાખ અને બીજા 3 23 લાખ ઓનલાઇન જીતેન્દ્રસિંધ રાજપુરોહીતના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ફરીથી રૂ. 2.08 લાખ રાજપુરોહિતને ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા તથા રૂ. 2.80 લાખ અલ્કાપુરી ખાતે રોકડા આપ્યા હતા. ત્યારબાદ જીતેન્દ્રસિંહ રાજપુરોહિત યુવક ગોલ્ડ ખરીદવાનો મોટો ઓર્ડર આપવા કહેતા યુવકે મિત્ર પરીક્ષિતભાઇ દેસાઈ (રહે.સુરત) સાથે ફોન ઉપર વાત કરતા તેમણે રૂપિયા 33.50 લાખ નું આંગડીયુ કર્યું હતું. જેથી યુવકે આંગડીયા પેઢીથી જીતેન્દ્રસિંહને 32.12 લાખ રોકડા રૂપીયા આપી 52 તોલા સોનુ ખરીદવા માટે આપ્યા હતા. ત્યારે જીતેન્દ્રસિંહ રાજપુરોહિતે પચ્ચીસ દિવસમાં 52 તોલા ગોલ્ડ આપશે તેવી ખાતરી આપી હતી. આ બાબતે યુવક અને જીતેન્દ્રસિંહ બન્ને વચ્ચે થયેલા કરાર મુજબ યુવકે કુલ રૂપીયા 43.46 લાખ જીતેન્દ્રસિંહ રાજપુરોહિતને આપતા તેને પચ્ચીસ દીવસમાં ગોલ્ડ ખરીદીને આપવાનુ હતુ. પરંતુ જીતેન્દ્રસિંહ રાજપુરોહિતે કોઈ સોનું અપાવ્યું ન હતું. જેથી યુવકે તેની પાસે રૂપિયા પરત માંગતા ટુકડે ટુકડે માત્ર 12 લાખ રૂપિયા જ પરત કર્યા હતા જ્યારે બાકીના રૂપીયા 31.46 લાખ પરત માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જે રકમ આજ દિન સુધી પરત આપી નથી અને ગોલ્ડ નહીં અપાવી છેતરપીંડી કરી છે. જેથી ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે ઠગ જીતેન્દ્રસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top