દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે બોલર્સનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. એક જ દિવસમાં 15 વિકટો પડી હતી. દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવી 93 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ કોલકાતા ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ પોતાની પહેલી ઇનિંગમાં 159 રન બનાવ્યા હતા. ભારત પણ પહેલી ઇનિંગમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ ગયું હતું. દક્ષિણ આફ્રિકાનો બીજો ઇનિંગ પણ નિષ્ફળ ગયો છે.
બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. રમતના અંતે, દક્ષિણ આફ્રિકાએ પોતાની બીજી ઇનિંગમાં 93 રન બનાવ્યા હતા અને સાત વિકેટ ગુમાવી દીધી હતી. કોર્બિન બોશ અને ટેમ્બા બાવુમા અણનમ બેટ્સમેન છે. દક્ષિણ આફ્રિકાની લીડ ફક્ત 63 રન છે. મેચના બીજા દિવસે વિકેટનો પતન જોવા મળ્યો, જેમાં કુલ 15 વિકેટ પડી.
ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 189 રન બનાવી ફક્ત 30 રનની લીડ મેળવી હતી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં ફક્ત 159 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગની શરૂઆત પણ સારી રહી ન હતી. રાયન રિકેલ્ટનને કુલદીપ યાદવે 11 રન બનાવીને આઉટ કર્યો. રવિન્દ્ર જાડેજાએ ઓપનર એડન માર્કરામ (4 રન) ને આઉટ કર્યા. ત્યાર બાદ જાડેજાએ એક જ ઓવરમાં વિઆન મુલ્ડર (11 રન) અને ટોની ડી જોર્ઝી (2 રન) ને આઉટ કર્યા. ટ્રિસ્ટન સ્ટબ્સ (5 રન) પણ નિષ્ફળ રહ્યો, તેને જાડેજાએ બોલ્ડ કર્યો. સ્ટબ્સ આઉટ થયા ત્યારે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 5/60 હતો.
ત્યાર બાદ કાયલ વેરેને (9), યાન્સેન (13) આઉટ થયા હતા. આમ દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ 93 રન પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી સૌથી વધુ રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 2 અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.