Sports

કોલકાતા ટેસ્ટમાં ભારતની પહેલી ઈનિંગ 189 રનમાં સમેટાઈ, કેપ્ટન ગિલ રિટાયર્ડ હર્ટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આજે (15 નવેમ્બર) આ મેચનો બીજો દિવસ છે. ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 189 રન બનાવ્યા હતા, જેમાં માત્ર 30 રનની લીડ હતી.

આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાએ તેમની પ્રથમ ઇનિંગમાં ફક્ત 159 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમની શરૂઆત પહેલી ઇનિંગમાં ખરાબ રહી હતી. ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 12 રન બનાવી આઉટ થયો હતો. માર્કો જાનસેન તેને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદરે પ્રથમ દિવસની રમતના અંતિમ સત્રમાં ભારતીય ટીમને વધુ નુકસાન થતું અટકાવ્યું.

બીજા દિવસની રમતના પહેલા કલાકમાં કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદરે સારી બેટિંગ કરી. આ સમયગાળા દરમિયાન રાહુલે પોતાનો 4,000મો ટેસ્ટ રન પણ પૂર્ણ કર્યો. સુંદર 29 રન બનાવીને સિમોન હાર્મરની બોલિંગમાં આઉટ થયો. ત્યાર બાદ શુભમન ગિલ 4 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો. બાઉન્ડ્રી ફટકાર્યા બાદ તેણે ગરદનમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી.

ભારતની ત્રીજી વિકેટ કેએલ રાહુલના (39 રન) રૂપમાં પડી. સ્પિનર ​​કેશવ મહારાજે આઉટ કર્યો. ઋષભ પંત (27 રન) એ કેટલાક મોટા શોટ રમ્યા, પરંતુ તેની ઇનિંગ લાંબો સમય ટકી ન હતી. પંતને કોર્બિન બોશે આઉટ કર્યો. જુરેલે પણ સિમોન હાર્મરની બોલિંગમાં 14 રન બનાવ્યા. જુરેલના આઉટ થયા સમયે ભારતનો સ્કોર 153/5 હતો.

ભારતને રવિન્દ્ર જાડેજાના રૂપમાં છઠ્ઠો ફટકો પડ્યો, જે 27 રન પર હાર્મરની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો. જાડેજાના આઉટ થવાથી ભારતનો સ્કોર 171/6 થઈ ગયો. થોડા સમય પછી કુલદીપ યાદવ (1) ને પણ માર્કો જેન્સને આઉટ કર્યો.

મોહમ્મદ સિરાજ (1 રન) અને અક્ષર પટેલ (16 રન) આઉટ થનારા છેલ્લા બે બેટ્સમેન હતા. દક્ષિણ આફ્રિકા માટે સિમોન હાર્મરે ચાર વિકેટ લીધી, જ્યારે માર્કો જાનસેન પણ ત્રણ વિકેટ લીધી હતી.

Most Popular

To Top