બિહારમાં એનડીએના ગઠબંધને સપાટો બોલાવ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં એનડીએ 200થી વધુ બેઠકો પર આગળ છે. વળી, આ ગઠબંધનમાં ભાજપની સ્થિતિ સૌથી મજબુત છે. ભાજપ 91 બેઠક પર આગળ છે. ત્યાર બાદ નીતિશકુમારની પાર્ટી જેડીયુ 80 બેઠકો પર આગળ છે.
ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર) 22 બેઠકો પર, માંઝીની પાર્ટી એચએએમ 4 બેઠક પર અને કુશ્વાહાની પાર્ટી આરએલએમ 4 બેઠક પર આગળ છે. આમ, આ ગઠબંધનમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને બહાર આવ્યું છે.
ભાજપ સૌથી વધુ 91 બેઠક પર આગળ હોય બિહારમાં નવા સમીકરણો સર્જાયા છે. નીતિશકુમાર વિના પણ ભાજપ બિહારમાં સરકાર બનાવી શકે તેવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે.
બિહારમાં બહુમતી સરકાર બનાવવા 122 બેઠકો જોઈએ. બપોરે 2 વાગ્યા સુધીના આંકડા જોઈએ તો નીતિશ કુમાર વિના પણ એનડીએ ગઠબંધન 122 પર પહોંચી શકે છે.
નિષ્ણાતોના મતે ભાજપ કોંગ્રેસના 5, ડાબેરીના 6 અને બસપાની 1 બેઠક જોડીને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે.
નિષ્ણાતો કહે છે કે બિહારમાં ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવે તેવી સ્થિતિમાં પહોંચ્યું છે. 10-12 ધારાસભ્યો પોતાની તરફ ખેંચી લેવા એ ભાજપ માટે કોઈ મોટી વાત નથી. પરિણામો દર્શાવે છે કે ભાજપનો હાથ ઉપર રહ્યો છે, તેથી નીતિશ કુમાર આ ગઠબંધન છોડી શકશે નહીં. જો નીતિશ કુમાર તેમ કરશે તો ભાજપ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવવાની સ્થિતિમાં છે.
નોંધનીય છે કે એક ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું હતું કે, બિહારના મુખ્યમંત્રી કોણ બનશે તે સમય નક્કી કરશે. હવે તે સમય આવી ગયો છે. આગળ શું થાય તેની પર નજર રહેશે.