‘ખુશહાલ જિંદગી તરફ’ નામનો એક સરસ સેમિનાર હતો.બધાં જ લોકો જીવનમાં ખુશી શોધતાં હોય છે એટલે સેમિનારમાં ભાગ લેવા ઘણાં લોકો આવ્યાં હતાં. સ્ટેજ પર પડદા પર એક છ પાંદડીવાળું સરસ સ્માઇલી ફ્લાવર હતું અને આવનાર દરેક શ્રોતાજનના હાથમાં એવું જ કાગળનું ફ્લાવર આપવામાં આવી રહ્યું હતું, જેમાં દરેક પાંદડી પર લખવાની જગ્યા હતી. સેમિનાર શરૂ થયો અને સ્પીકરે કહ્યું, ‘ચાલો,ખુશી મેળવવા આગળ વધીએ. આપણને બધાને ખુશ રહેવું છે પણ સાચી ખુશી, જે લાંબી ટકે તે કઈ રીતે મળે તે હું તમને જણાવીશ.” આટલું કહી તેમણે પોતાની સામેના લેપટોપ પર લખ્યું પાછળ પડદા પર મોટા ફૂલની એક પાંદડીમાં ચમક્યું. .. ‘ભૂતકાળને ભૂલી જાવ ….પસ્તાવાનું છોડી દો….ભવિષ્ય માટે વિચારો પણ ચિંતા ન કરો.સ્પીકર બોલ્યા, ‘આ સૂત્ર તમે તમારી પાસેના ફૂલની પાંદડી પર લખો… ભૂતકાળ તો ભૂલી જવાનો છે એટલે તેના વિષે નહિ પણ ભવિષ્યની યોજના લખો.”
સ્પીકરે બીજું સૂત્ર આપ્યું, ‘નકારાત્મક વિચારોથી દૂર રહો.’ બીજી પાંદડી પર તે ચમક્યું. સ્પીકરે કહ્યું, ‘નકારાત્મક ન વિચારો. તમે જે વિચારશો તે મળશે..તે થશે…ચાલો, બીજી પાંદડી પર તમને ગમતા સકારાત્મક વિચારો લખો.’ ત્રીજી પાંદડી પર અક્ષર ચમક્યા ‘વિશ્વાસ કરો’ સ્પીકર બોલ્યા, ‘પોતાના પર અને અન્ય પર વિશ્વાસ મૂકવો જરૂરી છે. ચાલો, તમે જેની પર આંખ મીંચી વિશ્વાસ કરી શકો તેવાં પાંચ નામ લખો.’ ચોથું સૂત્ર કે ‘બધાને ખુશ કરવાની જરૂર નથી.’સ્પીકરે કહ્યું, ‘તમને થશે કે આ સૂત્ર નકારાત્મક છે પણ એવું નથી. તમારે બધાને ખુશ કરવાની જરૂર નથી.
સૌથી પહેલાં જાતને ખુશ કરો. દિલથી ખુશ રહો. ચાલો, તમને ખુશી મળે તેવી પાંચ પ્રવૃત્તિઓ લખો ’પાંચમી પાંદડી પર સૂત્ર ચમક્યું. ‘સારાં પુસ્તકો અને સારાં માણસો સાથે જોડાયેલાં રહો.’ સ્પીકર બોલ્યા ‘સારાં માણસો તમને સાચી સલાહ આપશે અને સારાં પુસ્તકો પણ ઘણી વાર સાચા સાથીદાર –સલાહકાર સાબિત થશે. ચાલો, તમારા સ્માઇલી ફલાવરની પાંદડી પર તમારાં સાચાં સાથીઓ અને ગમતાં પુસ્તકોનાં નામ લખો.’ છઠ્ઠું સૂત્ર ચમક્યું, ‘સમયની દરેક પળને માણો’ સ્પીકર બોલ્યા, “સમયને બાંધી શકાતો નથી ..આજની ઘડી આજે જ ઉજવી લો ..જે ગમે તે કરી લો ..પરિવારને સમય આપો…..નાની ખુશીઓ રોજ મેળવો અને આપો.ચાલો, પાંચ એવી ખુશી લખો જે તમે રોજ આપી શકો ..મેળવી શકો.’અંતમાં સ્પીકર બોલ્યા તમારા હાથના ફૂલમાં તમારું સદા ખુશ રહેવાનું સરનામું છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.